- ખેડૂત પત્ની સાથે ખેતરથી આવી રહ્યાં હતા ત્યારે બનાવ બન્યો
- કેનાલમાં કૂદનાર કાલરી ગામના યુવકની શોધખોળ હાથ ધરી
મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવલી અસજોલની કેનાલમાં એક પિતાએ પુત્રી સાથે છલાંગ લગાવી હતી. જોકે એ જ સમયે ત્યાંથી સાઇકલ પર પસાર થતાં આધેડ ખેડૂતની નજર કેનાલમાં કૂદતા યુવક પર પડી હતી. ખેડૂત ક્ષણભરનો પણ વિચાર કર્યા વગર તેમને બચાવવા કેનાલમાં કૂદ્યા હતા. જોકે બાળકી હાથમાં આવી જતા ખેડૂત બાળકીને હેમખેમ બહાર લાવ્યા હતા અને હોસ્પિટલ લઇ ગયા હતા. બનાવ અંગે જાણ થતાં બેચરાજી પોલીસ, NDRF ટીમ સહિત તંત્ર પહોંચ્યુ હતું અને કેનાલમાં કૂદનાર યુવકની શોધખોળ હાથ ધરી છે.
ખેડૂતે કેનાલમાં બાળકીને જોતાની સાથે કેનાલમાં કૂદી બાળકીને બચાવી લીધી
આસજોલ ગામ પાસે પહેલા પુલની બાજુમાં પુલ પરથી યુવાને બાળકી સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. ત્યાર બાદ કેનાલ પાસે આવેલ ખેતરમાંથી ગામના ખેડૂત પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન કેનાલમાં કોઈ પડ્યું હોય એવું લાગતા ખેડૂતે કેનાલમાં બાળકીને જોતાની સાથે કેનાલમાં કૂદી બાળકીને બચાવી લીધી હતી. તેમજ ગામમાં સમાચાર ફેલાવાની સાથે જ ગામના સરપંચ સહિત ગામ લોકો કેનાલ પર આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ દોઢ વર્ષની બાળકીને બહાર નીકળ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તેમજ તેના પિતાની કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે.
વહેલી સવારથી તંત્ર દ્વારા કેનાલ પર યુવકની શોધખોળ કરાઇ રહી છે
આજે વહેલી સવારથી કેનાલમાં યુવકની શોધખોળ કરવા માટે બેચરાજી પોલીસ, NDRF ટીમ સહિત તંત્ર કેનાલ પર પહોંચ્યું હતું. તેમજ મળતી માહિતી પ્રમાણે હજુ સુધી શોધખોળની કામગીરી ચાલુ છે. ગામના સરપંચ પ્રતાપસિંહના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે અસજોલ કેનાલના પહેલા પુલ પરથી આ યુવાને પુત્રી સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. તેમજ ત્યાંથી ગામના ખેડૂત ઠાકોર દશરથજી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે કેનાલમાં જોતા બાળકી દેખાઈ હતી. જેથી તેમણે કેનાલમાંથી બાળકીને બચાવી લીધી હતી અને હાલમાં યુવકની શોધખોળ ચાલુ છે.
યુવકને કેનાલમાં પડતો જોઈ મેં તેને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી: દશરથજી ઠાકોર ખેડૂત
સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી ખેડૂત દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે હું અને મારી પત્ની ખેતરનું કામ પૂર્ણ કર્યા બાદ ઘરે જઈ રહ્યા હતા. એ દરમિયાન કેનાલ પર પિતા પોતાની સાથે પુત્રીને લઈ કેનાલમાં કૂદતાં જોઈ મેં મારી સાયકલ ઉભી કરીને સીધો કેનાલમાં તેમણે બચાવવા માટે કૂદી પડ્યો હતો. ત્યાર બાદ બાળકી હાથ લાગતા બાળકીને લઈને હું બહાર આવી ગયો પણ યુવક દૂર તણાઈ ચુક્યો હતો. જેથી 108ને બોલાવી હું બાળકીને લઈને સારવાર માટે મહેસાણા સિવિલ ખાતે પહોંચ્યો હતો.