- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની પાંચમી મેચ આજે સાંજે 7 વાગ્યાથી અમદાવાદમાં રમાશે
- ભારતે 2017 અને 2018માં ઇંગ્લેન્ડને નિર્ણાયક T20 મેચમાં હરાવીને સિરીઝ જીતી હતી
- ઇંગ્લેન્ડ આ મેચ જીતશે તો છેલ્લાં 2 વર્ષમાં ભારતને દ્વિપક્ષીય T20 સિરીઝ હરાવનાર પહેલી ટીમ બનશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે (શનિવારે) અમદાવાદમાં રમાશે. સિરીઝ હાલ 2-2ની બરોબરી પર છે. મેચ જીતીને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપથી પહેલા પોતાની દાવેદારી બતાવવા માગશે. સિરીઝમાં સૂર્યકુમાર અને ઇશાન કિશનને તક મળી. બંનેએ ઇંગ્લેન્ડના બોલરો સામે વિસ્ફોટક ઇનિંગ રમી. આઈપીએલને કારણે તેઓ પહેલેથી જ આ બોલરોનો સામનો કરી ચૂક્યા હતા. ટીમમાં વધુ બદલાવની આશા નથી.
સુકાની મોર્ગનનું પ્રદર્શન નિરાશાજનક
રાહુલને ફરી તક મળી શકશે. હાર્દિક 5મા બોલરની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે. ચહલની જગ્યાએ ટીમમાં સમાવેશ થયેલા રાહુલ ચહરે 2 મહlત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ માટે ઓપનર રોયની સારી શરૂઆત મળી રહી છે, પણ તેની પાસેથી હજુ મોટી ઇનિંગ માટે આશા છે, જેમાં તે હજુ સફળ રહ્યો નથી. બેન સ્ટોક્સ ગત મેચમાં થોડો લયમાં હતો, પણ મેચ ફિનિશર તરીકે નથી રમી શક્યો. સુકાની મોર્ગન આ સિરીઝમાં કઇ ખાસ કરી નથી શક્યો.
ભારત માટે સારી તક
ભારતે T20 સિરીઝમાં અત્યારસુધી 9 નિર્ણાયક મેચ રમી છે, જેમાંથી ટીમ ઇન્ડિયા માત્ર 2019માં ન્યૂઝીલેન્ડ સામે તેના જ ઘરમાં હાર્યું હતું. ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને 2017 અને 2018માં નિર્ણાયક મેચમાં હરાવીને T20 સિરીઝ પોતાના નામે કરી ચૂકી હતી.
ઇંગ્લેન્ડ પર સ્લો-ઓવર રેટ માટે દંડ ફટકાર્યો
ચોથી T20માં નિર્ધારિત સમયમાં એક ઓવર ઓછી ફેંકવા માટે ઇંગ્લેન્ડ ટીમ પર મેચ ફીના 20% દંડ ફટકાયો છે. ઇંગ્લેન્ડના સુકાની ઇયોન મોર્ગને પોતાની ભૂલ માની લીધી છે અને આ કારણથી સુનાવણી નહીં કરવામાં આવે.