કોરોનાના વધતાં જોખમ વચ્ચે ક્વૉરેન્ટાઈન અપનાવી રહી છે દુનિયા, ઈટાલીથી આ શબ્દ આવ્યો છે.
ઈટાલીમાં 600 વર્ષ પૂર્વે ક્વૉરેન્ટાઈનનો ઉપયોગ થયો હતો, તેનો અર્થ 40 દિવસનો થાય છે.
કોરોનાના પ્રકોપથી દુનિયાભરમાં 10 હજારથી વધુ મોત થઈ ચૂક્યા છે. એવામાં દુનિયા ક્વાૅરેન્ટાઈન એટલે કે થોડા સમય માટે અલગ અલગ રહેવાની રીત અપનાવી રહી છે.
આ શબ્દ ઈટાલીના ક્વારન્ટા જિઓની પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ 40 દિવસનો થાય છે. 600 વર્ષ પહેલાં પ્લેગથી બચવા માટે ઈટાલીએ તેની શરૂઆત કરી.
ભારતમાં આ રીત સદીઓથી ચાલી રહી છે. તેમાં નવજાત-માતાને 10 દિવસ અલગ રાખવા, કોઈના મૃત્યુ પછી દૂર રહેવા જેવી અનેક પ્રથાઓ છે.
ભારતમાં છોડ માટે પણ ક્વૉરેન્ટાઈન પોલિસી
ભારતમાં તો વૃક્ષો-છોડ માટે પણ ક્વૉરેન્ટાઈન પોલિસી બનાવાઈ છે. આ પોલિસીનો ઉદ્દેશ્ય પર્યાપ્ત નીતિગત અને કાયદાકીય ઉપાયોના માધ્યમથી મહત્ત્વપૂર્ણ વૃક્ષો-છોડને નુકસાન પહોંચાડનારા જીવજંતુઓ અને બીમારીઓને રોકવાનો છે. આ નીતિને પ્લાન્ટ પ્રોટેક્શન, ક્વાૅરેન્ટાઈન એન્ડ સ્ટોરેજ ડિરેક્ટરોરેટની દેખરેખમાં લાગુ કરાય છે. આ વિભાગ કૃષિ મંત્રાલય હસ્તક કાર્ય કરે છે.
પુરી માં ઔષધીઓથી ભગવાનની સેવા કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથ દર વર્ષે 14 દિવસ અલગ રહે છે. માન્યતા છે કે જયેષ્ઠ પૂર્ણિમાથી અમાસ સુધી તે બીમાર પડે છે. આ દરમિયાન તેમને ઔષધીઓનું પાણી અપાય છે.
ફ્રાન્સ: તેને કોર્ડન સેનિટેયર પણ કહેવાય છે. તેમાં કોઈ સમુદાય, ક્ષેત્ર કે દેશમાં અવરજવર પર પ્રતિબંધ હોય છે, જેથી ચેપ રોકી શકાય. 1523માં માલ્ટામાં પ્લેગ ફેલાયા પછી કોર્ડન સેનિટેયરની શરૂઆત થઇ હતી.
બૌદ્ધ: 8મી સદીમાં બોધાયન અને ગૌતમ સૂત્રમાં નવજાત-માતા અને મૃત વ્યક્તિના સંબંધીઓને ચેપથી બચાવવા ઓછામાં ઓછા 10 દિવસ અલગ રહેવાની વાત કહેવાઈ છે.
ઈસ્લામિક વર્લ્ડ: 706 ઈ.સ. માં ઉમ્મયદ ખલીફા વલ વાલિદ પ્રથમે દમાસ્કસમાં કુષ્ઠ રોગ પીડિતોને અલગ રાખ્યા. 1431માં મોટાભાગના દેશોએ તેમના પર ફરજિયાત ક્વૉરેન્ટાઈન લાગુ કર્યો.
બાઈબલ: સાતમી સદી કે કદાચ તેના પહેલાં લખાયેલ લેવિટસના બાઈબલના પુસ્તકમાં ચેપથી બચવા માટે અલગ રહેવાનો ઉલ્લેખ છે. તેની પ્રક્રિયા મોજેક કાયદા હેઠળ જણાવાઈ છે.