- દેશમાં કોરોનાથી અત્યાર સુધી 8501 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3590 લોકોના મોત
- ભારત દર્દીઓના મામલામાં સ્પેન અને બ્રિટન કરતા આગળ નીકળી ગયો, હવે ભારત દુનિયામાં ચોથા નંબરે આવી ગયો
નવી દિલ્હી. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 98 હજાર 300 થઈ ગઈ છે. ગુરુવારે સતત બીજા દિવસે 11 હજારથી વધારે દર્દી વધ્યા અને રેકોર્ડ 393 લોકોના જીવ ગયા હતા. આ આંકડા covid19india.org ના આધારે છે. આ ઉપરાંત ભારત દર્દીઓના મામલામાં સ્પેન(2.89 લાખ) અને બ્રિટન(2.91 લાખ)થી આગળ નીકળી ગયો છે. હવે ભારત દુનિયામાં ચોથા નંબરે આવી ગયો છે. હાલ ટોપ-7 સંક્રમિત દેશમાં અમેરિકા, બ્રાઝિલ, રશિયા, ભારત, બ્રિટન, સ્પેન અને ઈટાલી છે.
તો બીજી બાજુ પંજાબ અને મધ્યપ્રદેશ સરકારે લોકડાઉનને કડક વલણ સાથે લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ સરકારે જણાવ્યું કે શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે રાજ્યમાં તમામ દુકાનો બજાર બંધ રહેશે અને લોકોના ઘરોમાંથી બહાર નીકળવા પર પણ પ્રતિબંધ રહેશે. સાથે જ મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલમાં સપ્તાહમાં પાંચ દિવસ આખુ શહેર ખોલવાનો નિર્ણય કર્યો છે. અહીંયા શનિવાર અને રવિવારે બે દિવસ જરૂરી ચીજ વસ્તુઓની દુકાનને બાદ કરતા શહેર પુરી રીતે બંધ રહેશે.