સૌરાષ્ટ્ર બંધ: અમરેલીમાં ધાનાણીની અને રાજકોટમાં કોંગી કાર્યકરો એકઠા થતા ગાયત્રીબા સહિતના કાર્યકરોની અટકાયત, અમરેલી-ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Gujarat
  • અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી બંધમાં જોડાવવા લોકોને અપીલ કરી
  • રાજકોટ માર્કેટ યાર્ડમાં દુકાનો બંધ
  • ભાવનગરમાં બંને મિશ્ર પ્રતિસાદ મળ્યો

કૃષિ કાયદાની વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે. જેને લઈને આજે ભારત બંધની અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બંધના સમર્થનમાં કોંગ્રેસ અને NCP સહિત અનેક રાજકીય પક્ષો જોડાયા છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જ્યુબેલી ગાર્ડન પાસે અને જંકશન રોડ પર દેખાવો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસે પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબા વાળા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જ ભારત બંધના એલાનના પગલે રાજકોટ માર્કેટ યાર્ડમાં હજુ સુધી દુકાનો બંધ છે. બીજી તરફ ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી.

રાજકોટમાં કોંગી કાર્યકરોની અટકાયત
રાજકોટમાં કોંગી કાર્યકરોની અટકાયત

ગાયત્રીબા વાઘેલાએ વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરી
ભારત બંધના પગલે રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ જંકશન મેઈન રોડ પર કોંગ્રેસના આગેવાનો બંધને સમર્થન આપવા દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા. જંકશન મેઇન રોડ પર પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ વેપારીઓને દુકાન બંધ રાખવા અપીલ કરી હતી. ત્યારે પોલીસે કોંગ્રેસ શહેર પ્રમુખ મનીષાબા વાળા અને પ્રદેશ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી.

અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત
અમરેલીમાં ભારત બંધના એલાનના પગલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણી વેપારીઓને બંધને સમર્થન આપવાની અપીલ કરવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. પરેશ ધાનાણી પોતાનુ સ્કૂટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નીકળી જતા પોલીસ પાછળ થઈ હતી અને પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી હતી . આ સાથે જ અમરેલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જિલ્લા પોલીસ વડાએ ગોંડલની મુલાકાત લીધી
ભારત બંધ મામલે ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગોંડલની મુલાકાત લીધી હતી અને શહેરના અલગ અલગ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ગોંડલમાં વિરોધ કરવા આવેલા કોંગ્રેસના 10 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

દેરડી કુંભાજી ગામે સજ્જડ બંધ પાડ્યો
દેરડી કુંભાજી ગામે સજ્જડ બંધ પાડ્યો

ગોંડલ તાલુકાનું દેરડી કુંભાજી ગામ સજ્જડ બંધ રહ્યું
ભારત બંધના એલાનના પગલે રાજકોટ જિલ્લાના ગોંડલનું દેરડી કુંભાજી ગામે સજ્જડ બંધ પાડ્યો છે અને ભારત બંધના સમર્થનમાં જોડાયા છે.

જામનગરમાં કોંગ્રેસનો ચક્કાજામ કરવાનો પ્રયાસ, 10ની અટકાયત
જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ લાલપુર હાઈવે પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તે પહેલા જ 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજકોટ માર્કેટ યાર્ડ
રાજકોટ માર્કેટ યાર્ડ

રાજકોટ માર્કેટ યાર્ડ ખુલ્લું રહેવાની જાહેરાત દુકાનો ખુલ્લી ન હતી
રાજકોટ માર્કેટ યાર્ડ આજે ખુલ્લું રાખવામાં આવશે તેવી સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને બંધને સમર્થન ન આપવા અપીલ કરી હતી. તેમ છતા યાર્ડમાં 9 વાગ્યા છતાં એક પણ દુકાન ખુલ્લી ન હતી. મહત્વનું છે કે દલાલ મંડળ અને વેપારીઓ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું હતું પણ રાત્રિના સમર્થન પરત ખેંચ્યું હતું

ભાવનગરમાં બંધના એલાનની નહીંવત અસર જોવા મળી
ભાવનગરમાં બંધના એલાનની નહીંવત અસર જોવા મળી રહી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ શરૂ છે. જ્યારે બંધના એલાનના પગલે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘોઘાગેટ પાસે ભારત બંધના એલાનને પગલે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા નિકળ્યાં હતાં. મહત્વનું છે કે જિલ્લાભરમાં કલમ 144 લગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *