સ્વિત્ઝર્લેન્ડે બાદ શ્રીલંકાએ પણ દેશમાં બુરખા પહેરવાની પ્રથા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ દેશભરમાં 1 હજારથી વધારે ઈસ્લામિક શાળાઓ બંધ કરવાની પણ તૈયારી કરી છે.
જાહેર સુરક્ષા બાબતના મંત્રી સરત વીરશેખરાએ શનિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી બુરખો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. મે શુક્રવારે કેબિનેટની મંજૂરી માટે પત્ર લખ્યો હતો. આ અંગે કેબિનેટે મંજૂરી આપી છે. હવે આ અંગે સંસદની અંતિમ મંજૂરી મેળવવામાં આવશે.
વીરશેખરે કહ્યું કે અગાઉ મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ ક્યારેય બુરખા પહેરતી ન હતી. તે ધાર્મિક અતિવાદનું પ્રતિક છે, જે તાજેતરમાં પ્રચલિત થયેલ છે. અમે તેને ચોક્કસપણે પ્રતિબંધિત કરશું. વર્ષ 2019માં ઈસ્ટર પર ચર્ચ તથા હોટેલો પર થયેલા હુમલા બાદ બૌદ્ધ ધર્મમાં માનનાર આ દેશમાં હંગામી ધોરણે બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આ હુમલામાં 250થી વધારે નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. તે સમયે આ નિર્ણય અંગે મિશ્ર પ્રતિક્રિયા સામે આવી હતી. કેટલાક એક્ટિવિસ્ટોએ કહ્યું હતું કે આ મુસ્લિમ મહિલાઓના ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
ઈસ્લામિક શાળા શિક્ષણ નીતિ માટે મજાકરૂપ બની ગઈ છે
વીરાસેકેરાએ કહ્યું કે સરકાર 1 હજારથી વધારે ઈસ્લામિક શાળાઓને બંધ કરવાની યોજના ધરાવે છે. સરકારનું માનવું છે કે આ શાળા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે મજાક બની ગઈ છે. વીરાસેકેરાએ કહ્યું કે કોઈપ વ્યક્તિ પોતાની ઈચ્છાથી શાળા ખોલી શકતા નથી અને તેમની ઈચ્છા પ્રમાણે બાળકોને ભણાવી શકતા નથી.
કોરોનાથી મૃત્યુ પામેલા મુસ્લિમોનો અગ્નિદાહ કરવા આદેશ અપાયો હતો
ગયા વર્ષે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ગોટબાયા રાજપક્ષેએ દેશમાં અતિવાદનો અંત આપવાનું વચન આપ્યું હતું. રાજપક્ષેએ શ્રીલંકાના ઉત્તરી વિસ્તારોમાં દાયકાઓથી ચાલી રહેલા વિદ્રોહનો અંત લાવવા માટે જાણવામાં આવે છે.
ગયા વર્ષે શ્રીલંકા સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામનાર મુસ્લિમોને દફનાવવાને બદલે અગ્નિદાહ આપવા આદેશ કર્યો હતો. અમેરિકા સહિત અનેક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓએ આ નિર્ણયની ટીકા કરી હતી.
સ્વિત્ઝર્લેન્ડમાં 51 ટકા લોકોએ બુરખાની વિરુદ્ધ મતદાન કર્યું
સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલા જનમત સંગ્રહમાં 51.21 ટકા લોકોએ બુરખા પર પ્રતિબંધ મુકવાના પક્ષમાં મતદાન કર્યું છે. આ સાથે એવું માનવામાં આવે છે કે હવે અહીં કાયદો બનાવવામાં આવી શકે છે. આશરે 1 મહિના અગાઉ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
જ્યારે લોકોએ વિરોધ કર્યો ત્યારે સરકારે આ મુદ્દે મતદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ કાયદો બનવામાં સંજોગોમાં મહિલાઓ સંપૂર્ણપણે મો ઢાકીને જાહેર સ્થળો પર નિકળી શકશે નહીં.
સ્વિસ પીપલ્સ પાર્ટી (SPV)સહિત અન્ય સમૂહોએ આ પ્રસ્તાવમાં ક્યાંય ઈસ્લામનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમ છતાં અહીંના મીડિયામાં આ પ્રસ્તાવને બુરખા બેન કહેવામાં આવ્યો અને તેને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડની વસ્તી આશરે 86 લાખ છે, આ પૈકી 5.2 ટકા મુસ્લિમ છે.