- નકશો દેખાડીને ખેડૂત બેઅંત સિંહ કહે છે, ‘આ જૂનું પંજાબ છે, આઝાદીથી પહેલાનું પંજાબ; અને આ નવું પંજાબ છે, જે આજકાલ છે.’
- આંદોલનમાં સામેલ એક યુવાન કહે છે, ‘વોટ્સએપ પર મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે કેટલાંક વધુ જિલ્લા જમ્મુ અને હિમાચલને આપવામાં આવી શકે છે’
ટિકરી બોર્ડર પર ધરણાં આપી રહેલા ખેડૂતોની ટ્રોલી પર લાગેલું એક પોસ્ટર ધ્યાન ખેંચે છે. જેના પર અવિભાજિત પંજાબનો નકશો છે જેની સાથે લખ્યું છે આ જૂનું પંજાબ સાથે જ આજના પંજાબનો નકશો જેની સાથે લખ્યું છે આ છે નવું પંજાબ.
કતારમાં ઊભેલી ડઝનેક ટ્રોલીઓ પર આ મેપ લાગેલા છે. અહીં ઊભેલા યુવાનો પંજાબ અને આ નકશા પર ચર્ચા કરી રહ્યાં છે અને ડર જાહેર કરે છે કે ભવિષ્યમાં પંજાબ વધુ ટુકડાઓમાં વ્હેંચાય જશે.
પંજાબ એટલે તે જમીન જ્યાંથી પાંચ નદીઓ પસાર થાય છે. અંગ્રેજોના શાસનમાંથી ભારતને આઝાદી મળી તે પછી પંજાબનો મોટો ભાગ પાકિસ્તાન પાસે જતો રહ્યો હતો. મોટા પ્રમાણમાં વસ્તી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવી. હિંસામાં લાખો લોકો માર્યા ગયા. જે બચી ગયા તેઓ પોતાની સાથે ભાગલાની વાર્તા લઈને આવ્યા. આ વાર્તા આજે પણ પંજાબના લોકોના દિલોમાં તાજી જ છે.
14મી સદીમાં ભારત ફરવા આવેલા આરબ યાત્રી ઈબ્ન-બતૂતાએ પોતાના પુસ્તકમાં પંજાબનો ઉલ્લેખ કર્યો છે. આ પહેલાં આ શબ્દનો ઉલ્લેખ ક્યાંય જોવા નથી મળતો. આજે પંજાબ માત્ર ભારતનું એક રાજ્ય જ નથી પરંતુ પોતાનામાં એક સમૃદ્ધ સંસ્કૃતિ અને તેમની પોતાની એક વિરાસત છે.

સિંધુ બોર્ડર અને ટિકરી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં પંજાબની સંસ્કૃતિના દરેક રંગ જોવા મળે છે. અહીં લોકો મહારાજા રણજીત સિંહના શાસનકાળની વાત કરે છે. દિલ્હી પર શીખની જીતનું ઉદાહરણ આપે છે. પરંતુ ટિકરી બોર્ડર જે પોસ્ટર જોવા મળી રહ્યાં છે તેમાં પંજાબના લોકોની આશંકાઓ અને ડર દેખાય છે. આ મેપનો અર્થ સમજાવતા એક બુઝુર્ગ બેઅંત સિંહ કહે છે કે, ‘આ જૂનું પંજાબ છે, આઝાદીની પહેલાનું પંજાબ, મહારાજા રણજીત સિંહનું પંજાબ. અને આ નવું પંજાબ, જે આજકાલ છે.’
શેર-એ-પંજાબ મહારાજા રણજીત સિંહે શીખ સામ્રાજ્યને મજબૂત કર્યું હતું અને પંજાબના મોટા ભાગના વિસ્તારને પોતાના શાસનમાં મેળવ્યું હતું. પંજાબના લોકો તેમના શાસનકાળને સ્વર્ણિમ યુગ તરીકે યાદ કરે છે. પોસ્ટરનો અર્થ સમજાવતા બેઅંત સિંહ વધુમાં કહે છે કે, ‘અમે લોકોને જણાવવા માગીએ છીએ ખે પહેલાં અમારું પંજાબ આટલું મોટું હતું, હવે નાનું જ રહી ગયું છે, અમે અમારા પંજાબને હવે આનાથી નાનું નહીં થવા દઈએ. અમે ચોરોથી, લુટેરાઓથી, કાળા કાયદા બનાવનારાથી અમારા પંજાબને બચાવવાનું છે.’
જતિંદર સિંહ એક યુવાન છે જેઓ પોતાના સાથીઓની સાથે આંદોલનમાં સામેલ છે. મેપ પર હાથ ફેરવતા તેઓ કહે છે કે, ‘જૂનું પંજાબ વિશ્વનું સૌથી ખુશહાલ રાજ્ય માનવામાં આવતું હતું. આ નવું પંજાબ છે, જે રાજકારણીઓમાં વ્હેંચાય ગયું છે. ભાઈ-ભાઈના ભાગલા પાડીને હરિયાણાને અલગ કરવામાં આવ્યું. પંજાબ ચાર રાજ્યોમાં વ્હેંચાય ગયું. અમે અમારા પંજાબના હવે વધુ ભાગલા નહીં પડવા દઈએ.’ બ્રિટનના શાસનકાળમાં પંજાબ પ્રાંત બે ભાગમાં વ્હેંચાયું હતું. મુસ્લિમ બહુમતીવાળું પશ્ચિમી પંજાબ પાકિસ્તાનમાં ગયું અને શીખ બહુમતીવાળું પૂર્વ પંજાબ ભારતમાં. પટિયાલા જેવા નાના પ્રિંસલી સ્ટેટ પંજાબનો જ ભાગ બને.
1950માં ભારતના પંજાબમાંથી બે રાજ્ય બન્યા, પંજાબ અને પટિયાલા. નાભા, જિંદ, કપૂરથલા, મલેરકોટલા, ફરીદકોટ અને કલાસિયાના શાસનકારોએ મળીને એક નવું રાજ્ય બનાવ્યું ‘ધ પટિયાલા એન્ડ ધ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન’ એટલે કે પીઈપીએસયૂ. જે બાદમાં કાંગડા જિલ્લા અને અન્ય રજવાડાઓ સાથે મળીને હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયા. 1956માં પીઈપીએસયૂને પંજાબમાં ભેળવવામાં આવ્યું, અનેક ઉત્તરી જિલ્લા હિમાચલને આપીને તેને રાજ્ય બનાવવામાં આવ્યું. પંજાબનો વધુ એક ભાગ 1966માં થયો જ્યારે હરિયાણા અલગ રાજ્ય બનાવી દેવામાં આવ્યું. ભાગલાના નિશાન લોકોના દિલમાં તાજા જ છે અને તે ડરે જ ભવિષ્યમાં વધુ ભાગલા પડશે તેવા ડરને જન્મ આપ્યો છે.

ટ્રોલીઓ પર જોવા મળતા પોસ્ટર તરફ ઈશારો કરતા એક યુવક જણાવે છે કે, ‘વ્હોટસએપ પર મેસેજ વાયરલ થઈ રહ્યાં છે કે કેટલાંક વધુ જિલ્લા જમ્મુ અને હિમાચલને આપવામાં આવી શકે છે. પંજાબને વધુ નાનું કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. બધાંની નજર અમારી જમીન પર છે.’ તેઓ કહે છે કે, ‘અમારા આ પંજાબના ત્રણ ભાગમાં વ્હેંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ પંજાબને ખતમ કરીને કેટલોક ભાગ હરિયાણા, કેટલોક ભાગ રાજસ્થાન અને બીજા અન્ય રાજ્યોને આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.’
આ યુવાન જે ષડયંત્રની વાત કરી રહ્યાં છે તે વ્હોટ્સએપના ગ્રુપોમાંથી બીજે ક્યાંય જોવા નથી મળતા. તેમ છતા, આ મેસેજે લોકોની પ્રતિક્રિયાને પ્રભાવિત કરી છે. અહીં અમને એવા કેટલાંક લોકો પણ મળ્યાં જેમનું કહેવું હતું કે હવે સરકારની નજર પંજાબની જમીન પર છે.
ટિકરી બોર્ડર પર હરિયાણાથી આવતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. અનેક જગ્યાએ પંજાબ અને હરિયાણાના ભાઈચારાના બેનર પણ જોવા મળે છે. આંદોલનમાં સામેલ લોકોનું કહેવું છે કે આ ખેડૂત આંદોલન હરિયાણા અને પંજાબના લોકોને વધુ નજીક લાવી રહ્યું છે.
હરિયાણાથી આવેલા સતબીર દેશવાલ કહે છે કે, ‘હરિયાણા અને પંજાબના ખેડૂતો જ નહીં લોકો પણ નજીક આવી રહ્યાં છે. હરિયાણાની ખાપ અને સંગઠનોએ પંજાબના ખેડૂત ભાઈઓને પુરો સહયોગ આપ્યો છે. અમે તન, મન અને ધનથી સાથે જ છીએ.’ દેશવાલ વધુમાં કહે છે કે, ‘પંજાબ, હરિયાણા અને હિમાચલ પહેલાં પણ એક હતા, હજુ પણ એક જ છે. સરહદ ભલે જ વ્હેંચી દેવામાં આવી હોય પરંતુ અમારા બધાના દિલ એક જ છે. રાજનીતિક મુદ્દાઓએ અમારા ભાગલા પાડવાના પ્રયાસો કર્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે અમે બધા એક જ છીએ.’
તો યુવાન ખેડૂત જતિંદરનું પણ એમ જ કહેવું છે કે પંજાબના ભાગલા પાડવાના મેસેજની પાછળ કોઈ ષડયંત્ર પણ હોય શકે છે. તેઓ કહે છે કે, ‘બની શકે છે કે આ પ્રકારના મેસેજ વાયરલ કરવાની પાછળ કોઈની શરારત હોય, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ ત્રણ કાયદા પંજાબની ખેતીને ખતમ કરવાનું ષડયંત્ર છે. પંજાબના ખેડૂતો ખતમ થઈ જશે, તો પંજાબ પોતાની જાતે જ ખતમ થઈ જશે.’