- જવાબી કાર્યવાહીમાં સ્થાનિક પોલીસકર્મીનું પણ મોત થયું
- ઘટનાને આતંકવાદી હુમલા સાથે કોઇ સંબંધ હોય તેવા હાલ પુરાવા મળ્યા નથી
- આતશબાજી થતી હોય તેવો ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો-એન્ડી પટેલ
ન્યૂજર્સી: અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાનિક સમય પ્રમાણે મંગળવાર બપોરે બે હથિયારધારી શખ્સોએ એક સ્ટોરમાં આડેધડ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને હુમલાખોરને ઠાર મારવામાં આવ્યા છે. આ દરમિયાન એક પોલીસકર્મી તથા ત્રણ લોકોના પણ મોત થયા હતાં. આમ આ ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાને આતંકવાદી હુમલા સાથે કોઇ સંબંધ હોય તેવા હાલ પુરાવા મળ્યા નથી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ
હુમલા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કર્યુ હતું કે ન્યૂજર્સીમાં ગોળીબારની ઘટના અંગે જાણ થઇ છે. ઘટનામાં પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. અધિકારીઓ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે.
સુરક્ષાકર્મીઓએ સ્કૂલને ઘેરી લઇ સુરક્ષા પુરી પાડી
હુમલા દરમિયાન સ્ટોરની નજીકમાં આવેલ સ્કૂલમાં સુરક્ષાકર્મીઓ ઘેરી લીધી હતી અને કોઇપણ સ્કૂલની અંદર કે બહાર ન જાય તેની તકેદારી રાખી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષા પ્રદાન કરી હતી.
જાણે કોઇ આતશબાજી થતી હોય તેવો ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો-એન્ડી પટેલ
હુમલાના સ્થળની નજીક આવેલ એક લિકર શોપમાં કામ કરતા એન્ડી પટેલે ગોળીબારની ઘટના અંગે ન્યૂઝ એજન્સી APને જણાવ્યું હતું કે, સતત એક કલાક સુધી પોલીસ અને હુમલાખોરો વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું. જાણે કોઇ આતશબાજી થતી હોય તેવો ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો. સમગ્ર ઓપરેશન પાર પાડ્યા બાદ પોલીસે અરિયાને સીલ કરી સ્થિતિ કાબુમાં લીધી હતી.