- વિશ્વમાં અત્યારસુધીમાં 8.01 કરોડથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું, 17.56 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, 5.64 કરોડ સાજા થયા
- અમેરિકામાં કેસની સંખ્યા 1.91 કરોડથી વધુ, અત્યારસુધીમાં 3.38 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 8.01 કરોડને પાર થઈ છે. 5 કરોડ 64 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 17 લાખ 56 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. બ્રિટનમાં જોવા મળતો કોવિડ-19નો નવો સ્ટ્રેન હવે જાપાન અને ફ્રાન્સ પહોંચી ગયો છે. જાપાનમાં આ નવા સ્ટ્રેનથી સંક્રમણ લાગવાના પાંચ કેસ મળી આવ્યા છે. ફ્રાન્સના એક દર્દીમાં પણ આ પ્રકારનાં લક્ષણો જોવા મળ્યાં છે.
જાપાન અને ફ્રાન્સમાં નવી સમસ્યા
કોવિડ-19ના બે નવા પ્રકારો બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યા છે. દક્ષિણ આફ્રિકાએ કહ્યું છે કે અહીં મળેલા વેરિયેન્ટ બ્રિટનમાં જોવા મળતા વેરિયેન્ટથી અલગ છે. હવે એક નવી સમસ્યા ઊભી થઈ છે. બ્રિટનમાં જોવા મળતો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે. ‘ધ ગાર્ડિયન’ અનુસાર, જાપાનમાં આ પ્રકારનાં લક્ષણોવાળા પાંચ દર્દી સામે આવ્યા છે, જ્યારે એક ફ્રાન્સમાં મળી આવ્યો છે. આ બધાને સઘન દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. વિશેષ વાત એ છે કે જાપાનમાં નવા પાંચ લોકો મળી આવ્યા છે, તે બધા ગત સપ્તાહે બ્રિટનથી પરત ફર્યા છે. હવે આરોગ્ય વિભાગ તેમના કોન્ટેકટ્સનો સંપર્ક કરી રહ્યું છે.
કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યા પછી રશિયા સતર્ક થઈ ગયું છે. અહીં સરકારે તાત્કાલિક અસરથી બ્રિટન જતી અને આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પુતિન સરકારના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં કહ્યું- અમે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી. સ્થાનિક સંક્રમણને નિયંત્રિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે અને તેનો પણ ઘણો ફાયદો થયો છે.
બ્રિટનમાં દવા પર રિસર્ચ
બ્રિટનમાં વૈજ્ઞાનિકો નવી દવા પર કામ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના સંક્રમણને અટકાવશે. જોકે ‘ધ હેલ્થ’ મેગેઝિનએ એક અહેવાલમાં જણાવ્યું છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીનો ઇલાજ કરવા માટે કરવામાં આવશે. બ્રિટન સરકાર અથવા આરોગ્ય વિભાગે ચિત્ર હજુ સુધી સાફ કર્યું નથી. એવું માનવામાં આવે છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ નવી દવા પર રિસર્ચ કરી રહ્યા છે.
તુર્કીએ ચીનની વેક્સિનને મંજૂરી આપી
તુર્કીના અધિકારીઓ દાવો કરે છે કે ચીની સાયનોવેક વેક્સિનનાં પરિણામો 91.25% સુધી અસરકારક છે. લાંબા સમય સુધી છેલ્લા રાઉન્ડના ટ્રાયલ બાદ આ પરિણામ સામે આવ્યાં છે. આ વેક્સિન સંપૂર્ણપણે સલામત છે. આરોગ્યપ્રધાન ફેહરેટિન કોકાએ કહ્યું હતું કે વેક્સિનનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં ચીનથી તુર્કી પહોંચશે. હાલમાં 30 લાખ ડોઝ મળશે. એને પાંચ કરોડ લોકો સુધી આપી શકાશે. થોડા દિવસોમાં સરકાર ફાઇઝર અને બાયોએન્ટેક સાથે પણ 4.5 મિલિયન વેક્સિનની ડીલ કરવાની છે.
કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશની પરિસ્થિતિ
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 19,210,166 | 338,263 | 11,257,711 |
ભારત | 10,169,818 | 147,379 | 9,739,382 |
બ્રાઝિલ | 7,448,560 | 190,515 | 6,459,335 |
રશિયા | 2,992,706 | 53,659 | 2,398,254 |
ફ્રાન્સ | 2,547,771 | 62,427 | 189,445 |
બ્રિટન | 2,221,312 | 70,195 | ઉપલબ્ધ નહીં |
તુર્કી | 2,118,255 | 19,371 | 1,970,803 |
ઈટાલી | 2,009,317 | 70,900 | 1,344,785 |
સ્પેન | 1,869,610 | 49,824 | ઉપલબ્ધ નહીં |
આર્જેંન્ટીના | 1,624,998 | 29,792 | 1,206,200 |
(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)