- ગલવાનમાં હિંસક ઝપાઝપીમાં કર્નલ સંતોષ બાબુ શહીદ થતાં જ શૌર્ય બતાવ્યું
- ભારતીય જવાનોનું રૌદ્ર સ્વરૂપ જોઈ ચીની સૈનિકો ડઘાઈ ગયા હતા
- ભારતીય સૈનિકો ચીની સૈનિકોની તલવાર, સળિયા છીનવીને તેમને ભગાડી દીધા
- ભારત-ચીન સરહદ વિવાદ અંગે કેન્દ્ર અને વિપક્ષ વચ્ચે રાજકારણ ગરમાયું
નવી દિલ્હી. લદાખની ગલવાન ખીણમાં 15 જૂને ચીની સૈનિકોએ દગાથી કરેલા હિંસક હુમલામાં પોતાના કમાન્ડિંગ ઓફિસર (સીઓ) કર્નલ બી. સંતોષ બાબૂ શહીદ થતાં જ બિહાર રેજિમેન્ટના જવાનોનું રૌદ્ર રૂપ સામે આવ્યું. દિલ્હીના એક અખબારના અહેવાલ મુજબ સીઓની શહાદતથી રોષે ભરાયેલા ભારતીય સૈનિકોએ એક-એક કરીને 18 ચીની સૈનિકોની ગરદન મરોડી નાખી દીધી.
તે રાત્રે બિહાર રેજિમેન્ટના જવાનોની શૌર્યગાથા દુનિયા માટે એક મિસાલ બની ગઇ. તે રાત્રે ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈન્યથી 4 ગણી હતી. ચીની સૈનિકોએ યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો હતો જ્યારે ભારતીય સૈનિકોની કોઇ તૈયારી ન હોવા છતાં આપણા બહાદુર જવાનોએ ચીનના સૈનિકોને એવો પાઠ ભણાવ્યો કે ચીન સરકાર આ લોહિયાળ અથડામણ અંગે કંઇ બોલી શકતી નથી.
ચીની સૈનિકોના હથિયાર ઝૂંટવીને તેમના પર જ હુમલો કર્યો
ઝપાઝપી 4 કલાક સુધી ચાલતી રહી. ચીનાઓ પાસે તલવાર અને રૉડ હતા, જે ઝૂંટવીને ભારતીય સૈનિકોએ તેમના પર હુમલા કર્યા. તેમનું રૌદ્ર રૂપ જોઇને ચીની સૈનિકો ભાગીને ખીણોમાં છુપાઇ ગયા. ભારતીય સૈનિકોએ તેમનો પીછો કરી પકડી-પકડીને માર્યા. આ દરમિયાન તેઓ ચીનના અધિકાર ક્ષેત્રમાં પહોંચી ગયા હતા, જેમને બાદમાં ચીને પાછા મોકલ્યા.
ભારતીય સૈન્યની ઘાતક ટુકડી પણ પહોંચી હતી
ભારતીય જવાનોને ઓર્ડર હતો કે તેઓ ગલવાનમાં ચીની સૈનિકોએ ઊભા કરેલા ટેન્ટ હટાવાયાની પુષ્ટિ કરે. તેથી કર્નલ બી. સંતોષ બાબૂ જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ચીની સૈનિકોએ ટેન્ટ ન હટાવ્યા હોવાથી તેમણે વિરોધ કરતા ચીની સૈનિકોએ તેમના પર હુમલો કરી દીધો. પછી ભારતીય સૈનિકોએ પણ તેમને જવાબ આપવાનું શરૂ કર્યું. તેમાંય સંતોષ બાબૂ શહીદ થતાં બિહાર રેજિમેન્ટના સૈનિકો વિફર્યા. તેમની અને ઘાતક ટુકડીના સૈનિકોની કુલ સંખ્યા માત્ર 60 હતી જ્યારે દુશ્મનો ઘણા વધારે હતા.