- સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું- ડૉક્ટરો બ્રેક લીધા વિના કામ કરે છે, તેમને બ્રેક મળવો જોઈએ
રાજકોટના અગ્નિકાંડ અંગેના સુઓમોટો કેસની મંગળવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે સુનાવણી દરમિયાન કોવિડ પ્રોટોકોલના પાલન તથા ડૉક્ટરોની કામગીરીને લઈને મહત્ત્વની ટિપ્પણી કરી હતી. આ કેસને લઈને સુપ્રીમ કોર્ટ શુક્રવારે ચુકાદો આપે એવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટ વિશેની સમાચારો પ્રસિદ્ધ કરતી વેબસાઇટ બાર એન્ડ બેન્ચના આધારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીના અંશો…
‘જ્યારે NOC જ નથી તો પછી ફાયર સેફ્ટીનું પાલન કેવી રીતે?’
એસજી: ગુજરાતમાં 328 કોવિડ હોસ્પિટલ માટે ફાયર સેફ્ટિ જરૂરી છે. કોવિડ હોસ્પિટલો માટે ફાયર સેફ્ટિ ઑડિટ કમિટીની રચના કરવામાં આવી છે. ફાયર સેફ્ટિ માટે જરૂરિયાતો નિર્ધારિત કરવા માટે પણ ઑડિટ થઈ રહ્યું છે.
જસ્ટિસ શાહ: 214 પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી 62ની પાસે NOC નથી. આ ફાયર સેફ્ટિ ઑડિટની વાત છે.
એસજી: અમે એવું નથી કહેતા કે બધું જ બરાબર છે.
જસ્ટિસ શાહ: જ્યારે NOC નથી તો પછી ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કેવી રીતે થતું હશે.
એસજી: આવી હોસ્પિટલોને બંધ કરી શકાય છે.
બેન્ચ: અમે તમને હોસ્પિટલો બંધ કરવાનું નથી જણાવતા. અન્ય રાજ્યો કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિ ઑડિટનો રિપોર્ટ રજૂ કરે.
જસ્ટિસ શાહ: (ગુજરાત અંગે) નોડલ ઑફિસર કોણ છે? કોઈ એનજીઓ કે એવું કંઈક?
એસજી: સરકારીમાં તે સરકારી ડૉક્ટર કે અધિકારી તથા ખાનગીમાં તે જે-તે હોસ્પિટલ સાથે જોડાયેલી ખાનગી વ્યક્તિ રહેશે.
NRI માટે મુહૂર્ત જેવું કશું નથી હોતું
જસ્ટિસ રેડ્ડી: મોટે પાયે લગ્નો પણ થઈ રહ્યાં છે.
એસજી: ગુજરાતમાં લગ્નોનાં શુભ મુહૂર્ત પૂરાં થઈ ગયાં છે.
જસ્ટિસ શાહ: એનઆરઆઇ માટે શુભ મુહૂર્ત જેવું કશું નથી હોતું.
ડૉક્ટરો કંઈ ગાજ-બટન નથી, તેમને પણ બ્રેક મળવો જોઈએ
જસ્ટિસ ભૂષણ: ડૉક્ટરો કોઈપણ બ્રેક લીધા વિના સતત કામ કરી રહ્યા છે.
જસ્ટિસ શાહ: તેઓ ડૉક્ટર્સ છે, કોઈ ગાજ-બટન નથી. તેમણે મહિનાઓ સુધી અભ્યાસ કરેલો છે. સતત સેવા આપ્યા પછી તમારે તેમને બ્રેક આપવો જોઈએ.
એસજી: અમે આ બાબતને ધ્યાનમાં લઈશું.
માસ્ક માટે કરોડોનો દંડ: જજે કહ્યું, ‘શું આ આઘાતજનક નથી?’
જસ્ટિસ ભૂષણ: માસ્ક પહેરવાના પ્રોટોકોલ અને સોશિયલ ડિસ્ટન્સિંગની શું સ્થિતિ છે?
એસજી: દંડ દ્વારા તેને વધુ અસરકારક કરી શકાય છે.
જસ્ટિસ ભૂષણ: રાજ્ય (ગુજરાત) દ્વારા દંડ પેટે કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
એસજી: ગુજરાત સરકારે 80થી 90 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ્યા છે.
જસ્ટિસ શાહ: શું આ આઘાતજનક બાબત નથી?
એસજી: 500 રૂપિયાનો દંડ હજુ એટલો અસરકારક નથી.
એસજી: ગુજરાતે કામગીરી કરી છે, બેન્ચ: ના, તેમણે નથી કરી…
જસ્ટિસ શાહ: કઈ હોસ્પિટલોમાં ફાયર એનઓસી નથી એની વિગતો (ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા) એફિડેવિટમાં નથી. એમાં 2016ની માહિતી ટાંકવામાં આવી છે.
સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતા: તેથી જ હું કહું છું કે સમગ્ર ચિત્ર જેટલું લાગે છે એટલું સારું નથી.
એસજી: ગુજરાતે કામગીરી કરી છે.
જસ્ટિસ શાહ: ના, તેમણે નથી કરી. શું તમે એ દર્શાવ્યું છે કે કઈ કોવિડ હોસ્પિટલ સુરક્ષા વ્યવસ્થા ધરાવે છે?
જસ્ટિસ શાહ: રાજકોટની હોસ્પિટલને જ 16 નોટિસ મોકલવામાં આવી હતી છતાં કશું જ કરવામાં આવ્યું નહોતું. સોલિસિટર જનરલે ગુજરાતના એફિડેવિટને ટાંકીને કહ્યું હતું કે આ રીતે દરેક રાજ્યે એફિડેવિટ ફાઇલ કરવું જોઈએ.