સુરત મહિલા PSI આપઘાત કેસ:પોલીસ પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આશંકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

Gujarat
  • પતિના આડાસંબંધોના કારણે છૂટાછેડા લેવા માટે અમિતા કહેતી હતી
  • FIR અક્ષરશ: પતિ-સાસરિયાઓ મિલકત માટે દબાણ કરતા હતા

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ 5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

અમિતા જોશીના પિતાએ અમિતાના પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી.
અમિતા જોશીના પિતાએ અમિતાના પતિ સહિત સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી.

FIR અક્ષરશ:
પિતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારૂ નામ બાબુભાઈ શાંતિલાલ જોશી. રહે. ધારી, જિલ્લો અમરેલી.મારી દીકરી અમિતા 2011માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થઈ હતી. 2018માં તેની સુરતમાં બદલી થઈ હતી. અમિતાના લગ્ન ભાવનગર તળાજા રોડ પર રહેતા જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસના દીકરા વૈભવ સાથે થયા હતા. વૈભવ અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. 3-એપ્રિલ-2016માં અમિતાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. તેનું નામ જૈમિન છે. અમિતાની સુરત બદલી થતા તે ફાલસાવાડીમાં ક્વાટર્સમાં રહેતી હતી. ત્યારે તેના સસરા જીતેશ, સાસુ હર્ષાબેન,નણંદ અંકિતા ધવન મહેતા અને મનિષા હરદેવ ભટ્ટ અમિતાને ત્યાં આવ્યા હતા. તેના સાસુ-સસરા-નણંદ સુરતથી જતા ત્યારે જૈમિનને સાથે લઈ જતા હતા.

સાસરિયાંઓ અમિતાને હેરાન કરતા હતા.
સાસરિયાંઓ અમિતાને હેરાન કરતા હતા.

અમિતા બહેનને પતિ વૈભવના આડાસંબંધો વિષે જણાવતી હતી
અમિતા ફોન પર મારી બીજી દીકરી કાજલ( અમિતાની નાની બહેન)ને વૈભવના બહારના આડાસંબંધો અને સાસરિયા દ્વારા તેના આખા પગારની માંગણી કરતા હોય અને જૈમિનને પણ પોતાની સાથે ન રાખતા હોય એવી વાતો કરતી હતી. મારી દીકરીએ પોતાના નામે ફ્લેટ તેમજ બ્રિઝા કાર ખરીદી કરેલ તે બાબતે પણ સાસુ-સસરા,નણંદ તથા વૈભવ વારંવાર કેમ તે તારા નામે આ બધું કરી લીધું છે. વૈભવના નામે કેમ કાંઈ નથી લેતી તેમ કહી હેરાન કરતા હતા.

અમિતા દીકરા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.
અમિતા દીકરા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.

અમિતાએ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી
વૈભવના આડાસંબંધોના કારણે અમિતાએ બનાવના અઠવાડિયા પહેલા મારી દીકરી કાજલ સાથે છૂટાછેડા લેવા બાબતે તેમજ જૈમિનને રાજકોટ મુકી જાવ અને મારી પણ રાજકોટ બદલી કરાવી લઈશ એવી વાત કરી હતી. મહિધરપુરા પોલીસમાં અમિતાએ આપઘાત કર્યાની જાણ થઈ હતી. ગોળી વાગી મોત થવું અને જીતુભાઈએ મને જાણ કરેલી તેના પરથી ફલીત થાય છે કે વૈભવની હાજરી સુરતમાં હોય તેવી મને શંકા છે.

અમિતાનું મોત કરેલ કે કરાવેલ છે તેવી શંકા વ્યક્ત કરાઈ.
અમિતાનું મોત કરેલ કે કરાવેલ છે તેવી શંકા વ્યક્ત કરાઈ.

અમિતાનું ટીશર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું
મારી દીકરીએ પહેરેલ ટીશર્ટ શોલ્ડરના ભાગે થોડું ફાટેલું હતું. તે ટીશર્ટ પહેલા અગાઉના દિવસે મારી દીકરી કાજલ સાથે વીડિયો કોલમાં એક્સરસાઇઝ કરેલ ત્યારે ફાટેલ જણાયેલ ન હતું. અમારા કુટુંબમાં એ બાબતે શંકા છે કે અમિતાએ આત્મહત્યા કરેલ નથી પરંતુ આનું મોત કરેલ કે કરાવેલ છે તેવી શંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *