- રાજસ્થાનની મહિલા શરીરના વિવિધ અંગોમાં વારંવાર ફ્રેક્ચરથી પીડાતી હતી
મોટેભાગે ફેકટર-8ની ઉણપ ધરાવતાં હિમોફિલિયાના દર્દીમાં વારંવાર ફ્રેકચર થવાની સમસ્યા હોય છે. પરંતુ, શહેરની એક ખાનગી હોસ્પિટલના તબીબોએ વારંવાર ફ્રેકચરની સાથે શરીરના વિવિધ અંગો પર સોજો અને કિડનીમાં પથરીની સમસ્યાથી પીડાતી રાજસ્થાનની મહિલામાં 10 લાખે એક વ્યક્તિમાં જવલ્લે જોવા મળતાં ભારતના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફેફસાંના સૌથી મોટા 110ગ્રામ વજનની ટ્યુમરની સર્જરી કરીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનની હોસ્પિટલોના તબીબોએ ટ્યમુર એડવાન્સ સ્ટેજમાં હોવાથી મહિલા થોડા મહિના જીવશે અને કિમોથેરાપી સિવાય કોઇ ઉપાય નથી તેમ જણાવ્યું હતું.
ખાનગી હોસ્પિટલના ઓન્કો સર્જન ડો. નીતિન સિંઘલ અને ઓન્કોલોજિસ્ટ ડો.શીરિષ અલુરકર જણાવે છે કે, મહિલાને વારંવાર શરીરના વિવિધ અંગમાં ફ્રેકચર, સોજો અને કિડનીમાં પથરીની બે વર્ષથી ફરિયાદ હતી. છતાં કોઇ બીમારી પકડાતી ન હતી. થોડા મહિના પહેલાં મહિલાને નાકમાં ટ્યુમર થતાં સર્જરી પહેલા એનેસ્થેસિયાના તબીબોએ કરાવેલાં એકસ-રેમાં હૃદય અને ફેફસાંની પાસે એક ટ્યુમર જોવા મળી હતી. જેથી મહિલાનો સિટી સ્કેન કરાવતાં મહિલાને ફેફસાંનું ટ્યુમર ખૂબ જ ગંભીર સ્થિતિમાં તેમજ બાયોપ્સીમાં એડવાન્સ સ્ટેજમાં હોવાથી મહિલા હવે થોડા મહિના જ જીવશે તેમ લાગતુ હતું.
મહિલાની મેડિકલ હિસ્ટ્રી તપાસતા અજુગતું લાગતા અમે ફરીથી બાયોપ્સી કરાવતાં ખુબ જ જવલ્લે જોવા મળતું ‘પેરાથાયરોઇડ ટ્યુમર’નું નિદાન થવાની સાથે ટ્યુમર હૃદય-ફેફસાંની નજીક હોવાથી સર્જરી ક્રિટિકલ હતી. સર્જરી દરમિયાન હૃદયમાં નાનું કાણું પડી જાય તો દર્દીનું ઓપરેશન ટેબલ ઉપર મૃત્યુ થઇ શકે. જેથી દર્દી-સગાંને સમગ્ર સ્થિતિ સમજાવ્યાં બાદ ટ્યુમર કાઢવાની સર્જરી કરીને પાંચમા દિવસે રજા અપાઇ હતી. સર્જરીના પાંચ મહિના બાદ દર્દી એકદમ સ્વસ્થ છે, અને કિડનીમાં પથરી બનવાનું બંધ થયું છે.
ગાંઠ હૃદય-ફેફસાંને ચોંટેલી હતી
પેરાથાયરોઇડ નામની ગ્રંથિ ગળામાં અને ફ્કત છોકરીઓમાં જોવા મળે છે, જે શરીરમાં કેલ્શિયમના બેલેન્સને નિયંત્રિત કરે છે. કેટલીકવાર દર્દીના શરીરના વિકાસમાં ગરબડ સર્જાતા ગળાને બદલે શરીરના અન્ય ભાગમાં પણ જોવા મળે છે. આ મહિલામાં આ ગ્રંથિ હૃદયની ડાબી બાજુ અને ફેફસાની લોહીની મોટી નસો સાથે ચોંટેલું હતું.
વિશ્વની સૌથી મોટી ટ્યુમરનો દાવો
આ રેર ટ્યુમરને તબીબી ભાષામાં ‘મિડીયાસ્ટીનલ પેરાથાયરોઇડ એડીનોમા’ કહે છે. તેમજ આ ટ્યુમર 10 લાખે 1 વ્યકિતમાં જોવા મળે છે. આ ટ્યુમરની સાઇઝ 110 ગ્રામ હતી, જે ઇન્ડિયાની સૌથી મોટું અને વિશ્વની સૌથી મોટી ટ્યુમર છે.