- ગુજરાત હાઇકોર્ટમાં જ 1.58 લાખ કેસ પેન્ડિંગ છે જ્યારે હાઇકોર્ટમાં 20 જજની જગ્યાઓ ખાલી
- 80 હજારથી વધારે કેસ સિનિયર સિટિઝન્સના, એક લાખથી વધુ પેન્ડિંગ કેસ મહિલાઓના
તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જ્યુડિશિયલ કોન્ફરન્સમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘સમય વેડફવો, એ પૈસા વેડફવા બરાબર છે, ગુજરાતીઓ તે સારી રીતે જાણે છે’. હકીકત એ છે કે રાજ્યની તમામ અદાલતોમાં મળીને કુલ 18.75 લાખ કેસો પેન્ડિંગ છે. જેમાંથી 14.23 લાખ કેસ ક્રિમિનલ જ્યારે 4.52 લાખ સિવિલ છે. આ પેન્ડિંગ કેસોમાંથી 80 હજારથી વધારે કેસ એવા છે જે સિનિયર સિટિઝન્સ દ્વારા જ્યારે એક લાખથી વધારે કેસ મહિલાઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલા છે.
રાજ્યમાં 1.62 લાખ કેસ એવા છે જે 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી પેન્ડિંગ છે. 37 હજાર કેસ 20 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં 4.11 કરોડથી વધારે કેસો પેન્ડિંગ છે. બે કેસ 50 વર્ષથી પેન્ડિંગ છે જેમાં એક કેસ 1964ના વર્ષનો છે જ્યારે બીજો કેસ 1970નો છે. ગુજરાત હાઇકોર્ટમાં 1.58 લાખ કેસ પેન્ડિંગ છે. જેમાં 1.05 લાખ સિવિલ કેસ અને 53 હજારથી વધારે ક્રિમિનલ કેસ છે. જેમાં 53,600 કેસ 5થી 10 વર્ષ જૂના છે. 18,500 કેસ 10થી 20 વર્ષ જૂના છે. 1200થી વધારે કેસ 20 વર્ષથી પણ વધારે જૂના છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાં આપવામાં આવેલા આંકડાઓના આધારે આ વિગતો બહાર આવી છે.
2015ના માર્ચ મહિનામાં ગુજરાત હાઇકોર્ટમાં જજોની 10 વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી. રાજ્યની અન્ય અદાલતોમાં કુલ મંજૂર સ્ટ્રેન્થ 1,523 છે જેની સામે હાલમાં 1,176 ન્યાયાધીશો ફરજ પર છે જ્યારે 347 જજોની જગ્યાઓ ખાલી પડેલી છે.
37 હજાર કેસ 20 વર્ષથી પણ વધારે સમયથી પેન્ડિંગ
પેન્ડિંગનો સમયગાળો | સિવિલ | ક્રિમિનલ | કુલ | ટકાવારી |
0-1 વર્ષ | 1,34,001 | 5,43,579 | 6,77,580 | 36.13% |
1-3 વર્ષ | 1,21,786 | 4,07,650 | 5,29,436 | 28.23% |
3-5 વર્ષ | 74,500 | 2,16,608 | 2,91,108 | 15.52% |
5-10 વર્ષ | 79,924 | 1,35,699 | 2,15,623 | 11.50% |
10-20 વર્ષ | 36,387 | 83,227 | 1,19,614 | 6.38% |
20-30 વર્ષ | 5,237 | 31,333 | 36,570 | 1.95% |
30 વર્ષથી વધુ | 598 | 5,013 | 5,611 | 0.30% |
કુલ | 4,52,433 | 14,23,109 | 18,75,542 | 100% |
રાજ્યમાં હાઇકોર્ટના મળી કુલ 367 જજની જગ્યા ખાલી
લોકસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાત હાઇકોર્ટમાં હાલની સ્થિતિએ જજોની કુલ મંજૂર સ્ટ્રેન્થ 52 છે જેની સામે 28 માર્ચ, 2022ની સ્થિતિએ 32 જજ ગુજરાત હાઇકોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે જ્યારે 20 જજોની જગ્યાઓ ખાલી છે.
સૌથી વધારે પેન્ડિંગ કેસ
જિલ્લો | કુલપેન્ડિંગ કેસ |
અમદાવાદ | 5,00,712 |
સુરત | 1,74,354 |
રાજકોટ | 1,27,901 |
વડોદરા | 1,45,977 |
કચ્છ | 67,522 |
સૌથી ઓછા પેન્ડિંગ કેસ
જિલ્લો | કુલપેન્ડિંગ કેસ |
નર્મદા | 7,323 |
તાપી | 8,008 |
દેવભૂમિ દ્વારકા | 10,601 |
છોટાઉદેપુર | 10,704 |
મહિસાગર | 11,542 |
આ કારણોથી અદાલતોમાં કેસ લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે!
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાં અદાલતોમાં કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ રહેવાના કારણોમાં સૌથી વધારે કારણ એ આપવામાં આવી રહ્યું છે કે એક કે એકથી વધારે આરોપીઓ ફરાર હોય છે અથવા તો અદાલત સમક્ષ હાજર થતા નથી. ઘણા કેસોમાં સાક્ષીઓની સંખ્યા 20થી પણ વધારે હોય છે. કેસમાં મહત્વના સાક્ષીઓની હાજરીનો મોટો પ્રશ્ન હોય છે જેના કારણે કેસની પ્રક્રિયામાં આગળ વધવામાં મુશ્કેલીઓ પડતી હોય છે. આવાં કારણોસર અદાલતો દ્વારા પણ વારંવાર નવી તારીખો આપવામાં આવતી હોય છે. ઘણા કેસોમાં પક્ષકારો જ નિષ્ક્રિય થઇ જતા હોય છે. સ્ટે આપવાના કારણે પણ કેટલાક કેસ અટકી પડે છે.
અદાલતોની પૂરતી સંખ્યા હશે તો જ ન્યાય શક્ય: ચીફ જસ્ટિસ
હૈદરાબાદઃ સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ જણાવ્યું હતું કે અદાલતોની પૂરતી સંખ્યા થશે તો જ ન્યાય શક્ય છે. શુક્રવારે તેલંગાણા સ્ટેટ જ્યુડિશ્યલ કોન્ફરન્સમાં બોલતા ચીફ જસ્ટિસે અદાલતોમાં ખાલી જગ્યાઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અદાલતો પર પહેલેથી ઘણો બોજો છે. તેમણે કોર્ટોમાં માળખાકીય સુવિધાઓની અછતને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે બ્યુરોક્રસી અમને હળવાશથી લઈ રહી છે.