8 મહિનામાં 25000 કરોડનું ડ્રગ્સ પકડાયું:ગૃહમંત્રીનો આ ‘હર્ષ’ પૂરતો નથી, પહેલા તપાસ તો કરો કે ગુજરાતમાં ડ્રગ્સ કોણ મગાવી રહ્યું છે?

Gujarat Gujarat Politics Politics
  • ગૃહમંત્રીએ સ્મગલર્સને કહ્યું – વેલકમ ટુ ગુજરાત જેલ
  • કચ્છના દરિયાકાંઠા નજીક 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઇન ઝડપાયું, 9 પાકિસ્તાની ડ્રગ પેડલરની ધરપકડ
  • પાકિસ્તાની ડ્રગમાફિયા મુસ્તફાએ ઉત્તર ભારત માટે ડ્રગ્સ મોકલ્યું હતું

કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે વધુ એક ઓપરેશનમાં 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન પકડી પાડયુ હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનની બોટ અલ-હજમાં સવાર 9 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ડ્રગ માફિયા મુસ્તુફા એ આ કન્સાઈન્મેન્ટ મોકલ્યુ હતું. જો કે કોસ્ટ ગાર્ડની બોટ જોઈને ડ્રગ પેડલર્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમને રોકવા કોસ્ટગાર્ડની ટીમે ગોળીબાર કર્યો હતો. જેમાં 3 થી 4 ડ્રગ પેડલર ઈજાગ્રસ્ત થયા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીની હિંદીમાં પોસ્ટ.
ગૃહમંત્રી હર્ષ સંઘવીની હિંદીમાં પોસ્ટ.

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાએ આ ઓપરેશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાની માછીમારો લાલપરી માછલી પકડવા ગુજરાતના કાંઠા સુધી આવતા હોય છે. માછીમારીના ઓઠા હેઠળ ડ્રગ્સ માફિયાઓ રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. આ જ રીતે પાકિસ્તાનના ડ્રગ માફિયા મુસ્તુફા એ ઉત્તર ભારતમાં મોકલવા માટે હેરોઈનનું એક કન્સાઈન્મેન્ટ પાકિસ્તાનથી મોકલ્યું હતું, જે વિશે મળેલી બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમે રવિવારે મોડી રાતે વોચ ગોઠવી હતી.

દરમિયાનમાં ભારતીય જળ સીમાથી 14 નોટિકલ માઈલ અંદર આ બાતમી વાળી બોટ અલ-હજ આવતા કોસ્ટ ગાર્ડની ટીમે તેને રોકવા જણાવ્યું હતું. પરંતુ ડ્રગમાફિયાઓએ બોટ પૂર ઝડપે ભગાવી દીધી હતી. જેથી કોસ્ટ ગાર્ડની ટીમે ગોળીબાર કર્યો હતો. જેમાં બોટમાં સવાર 3થી 4 વ્યકિત ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે પોલીસે બોટ સર્ચ કરતા તેમાંથી 56 પેકેટમાંથી 56 કિલો હેરોઈન(કિંમત રૂ.280 કરોડ)નું મળી આવ્યું હતું. જો કે આ ડ્રગ્સ બોટમાં ક્યાંથી ભરવામાં આવ્યુ હતુ અને ઉત્તર ભારતમાં ક્યાં આપવાનું હતુ તે માહિતી મુસ્તુફા સિવાય બીજું કોઈ જાણતું નહીં હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે. જો કે આ ઓપરેશન પાર પાડયા પાર એનસીબીની પણ મદદ લેવામાં આવી હતી.

કંડલા પોર્ટ પર આવેલા 17 કન્ટેનરમાં પૈકીના 1 માંથી 205 કિલો હેરોઈન મળ્યું
સપ્ટેમ્બર – ઓકટોબર 2021 માં ઈરાનની કંડલા પોર્ટ ઉપર 17 કન્ટેનર આવ્યા હતા. તેમાંથી એક કન્ટેનરમાં હેરોઈન હોવાની બાતમી ડીઆરઆઈ અને કસ્ટમની ટીમને મળી હતી. જેના આધારે તેમણે 17 કન્ટેનર ચેક કર્યા હતા. જેમાંથી એક કન્ટેનરમાંથી 205.6 કિલો હેરોઈન(કિંમત રૂ.1439 કરોડ) નું મળી આવ્યું હતું, જેમાં પંજાબ પોલીસે ઉત્તરાંચલના એક વ્યકિતની ધરપકડ કરી હતી.

તાલિબાની જોર કરી રહ્યા હોવાથી અફઘાનિસ્તાન નશીલા પદાર્થો સગેવગે કરી રહ્યું છે
અફીણ – ચરસ – ગાંજા સહિતના નશીલા પદાર્થોની ખેતી અફઘાનિસ્તાનમાં થાય છે. પરંતુ હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાન જોર કરી રહ્યુ છે. જેથી અફઘાનિસ્તાને નશીલા પદાર્થોમાંથી તૈયાર કરેલું હેરોઈન તે સગેવગે કરવા પ્રયાસ કરી રહ્યું છે. જેથી તેઓ શ્રીલંકા અને ગુજરાતના દરિયાના માર્ગથી હેરોઈન બહાર મોકલી રહ્યા છે.

  • 2019 – 526 કરોડ
  • 2020 – 177 કરોડ
  • 2021 – 1466 કરોડ

8 મહિનામાં રાજ્યભરમાંથી ડ્રગ્સ ઝડપાયું

  • 23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022, કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022, અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 13 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઓક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઓક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021, મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

ગુજરાતનો સવાલ?
1. એ કોણ છે જે લોકો આટલા મોટા પ્રમાણમાં પાકિસ્તાન, ઈરાનથી ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો જથ્થો મગાવી રહ્યા છે?
2. ડ્રગ્સ પકડાય છે પણ યુવાનો સુધી ડ્રગ્સ પહોંચાડનારા કેમ હજુ પકડાતા નથી?
3. એ કયાં તત્ત્વો છે જે ગુજરાતના યુવાનોને ડ્રગ્સની ચુંગાલમાં ફસાવવા માગે છે?
4. પેડલર્સ ઝડપાય છે પણ મુખ્ય સૂત્રધાર એવા ડ્રગ્સ માફિયા ક્યારે પકડાશે?
5. ડ્રગ્સ હેરાફેરી માટે ગુજરાત ટ્રાન્ઝિટ પોઇન્ટ બનાવી દેવાયું છે. આ પણ આતંકવાદ છે. શરાબને તો રોકી ન શક્યા, ડ્રગ્સને તો રોકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *