દિવસભર અસહ્ય ઉકળાટ બાદ મધ્ય ગુજરાતમાં પણ અડધી રાત્રે મેઘરાજાનું આગમન થયું છે. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે પ્રચંડ વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વડોદરા, નડિયાદ, આણંદ, અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેરમાં ધોધમાર વરસાદને પગલે માંડવી રોડ, દાડિયાબજાર, રાવપુરા રોડ, ગેંડીગેટ રોડ સહિત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ભારે વરસાદને પગલે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાઇ ગયાં હતાં. પરિણામે, સયાજીગંજથી અલકાપુરી તરફ જવનો રસ્તો બંધ થઈ ગયો હતો.
વડોદરામાં વૃક્ષો જમીનદોસ્ત થયાં
વાવાઝોડા અને ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં શોર્ટ સર્કિટ થવાને કારણે વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આ સાથે અનેક વિસ્તારોમાં વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયાં હતાં. ભારે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ મોટાં હોર્ડિંગ્સ પડી ગયાં હતાં. જોકે જાનહાનિના કોઇ અહેવાલ મળ્યા નથી. વૃક્ષો જમીન દોસ્ત થવાના મેસેજ ફાયરબ્રિગેડને મળવાનું શરૂ થતાં તંત્ર કામે લાગી ગયું હતું. વડોદરા શહેરમાં દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરિણામે, લોકોએ રાહત અનુભવી હતી. વડોદરા શહેર સાથે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.