- લોકો ઉત્તરાખંડના મુખ્યમંત્રીની ટિપ્પણીની સખત ટીકા કરી રહ્યા છે
- ઉત્તરાખંડના સીએમે કહ્યું હતું- મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે તે કેવા સંસ્કાર?
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનેલા તીરથ સિંહ રાવતે સત્તા સંભાળતાં જ વિવાદિત ટિપ્પણી કરી છે. મંગળવારે તેમણે બાળ અધિકાર સંરક્ષણ આયોગના એક વર્કશોપનું ઉદઘાટન કરતી વેળાએ મહિલાઓનાં કપડાં અંગે કંઇક એવું કહ્યું કે જેના પગલે મોટો વિવાદ સર્જાયો.
તીરથ સિંહનું કહેવું હતું કે, આજકાલ મહિલાઓ ફાટેલું જીન્સ પહેરીને ફરે છે. મહિલાઓ ફાટેલું જીન્સ પહેરે તે સંસ્કાર નથી. બાળકોમાં સંસ્કાર તેમના માતા-પિતામાંથી આવે છે. તેમણે ભારતની કેટલીક મહિલાઓ પશ્ચિમી વિચારોથી વધુ પ્રભાવિત હોવાની ટિપ્પણી પણ કરી. જોકે, તેમને બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ જડબાતોડ જવાબ આપતાં પોતાની માનસિકતા બદલવાની સલાહ આપી.
નવ્યા નવેલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરતા લખ્યું કે, ‘અમારા કપડાં બદલતા પહેલા તમારી માનસિકતા બદલો.’ તે એટલી ગુસ્સે હતી કે તેણે આ પોસ્ટ બાદ ફાટેલા જીન્સમાં પોતાનો એક ફોટો પણ શૅર કરતા જણાવ્યું કે, ‘હું મારું ફાટેલું જીન્સ પહેરીશ, બહુ ગર્વથી પહેરીશ.. આભાર.’
તીરથ સિંહે જે પ્રકારની ટિપ્પણી કરી તેના કારણે નવ્યા નવેલીને લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે. લોકો ઉત્તરાખંડના મુખ્યમંત્રીની ટિપ્પણીની સખત ટીકા કરી રહ્યા છે અને મહિલાઓ અંગે તેમણે વ્યક્ત કરેલા વિચારોને શરમજનક ગણાવે છે. સોશિયલ મીડિયા પરની કોમેન્ટ્સમાં લોકોનું કહેવું હતું કે મુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિ મહિલાઓ માટે આવી ટિપ્પણી કરે અને તેમના કપડાં અંગે આવા વિચારો ધરાવે તે યોગ્ય નથી.
તાજેતરમાં પીએમ મોદીને રામ, કૃષ્ણનો અવતાર ગણાવી વિવાદ સર્જ્યો હતો
વિવાદિત ટિપ્પણી માટે જાણીતા તીરથ સિંહે ત્રણ દિવસ પૂર્વે હરિદ્વારમાં નેત્ર કુંભના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન રામ અને કૃષ્ણનો અવતાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ત્રેતા અને દ્વાપર યુગમાં રામ અને કૃષ્ણ જે રીતે પૂજાતા હતા એમ મોદી પણ ભવિષ્યમાં પૂજાશે. રામ અને કૃષ્ણએ સમાજના કલ્યાણ માટે કામ કર્યું હતું એમ મોદી પણ કરી રહ્યા છે. અગાઉ વિદેશોમાં ભારતના વડાપ્રધાનને ઝાઝું મહત્ત્વ નહોતું અપાતું પણ મોદી પીએમ બન્યા બાદ સ્થિતિ બદલાઇ છે.