- માતા પુત્રને રોજ ત્રણ કલાક કસરત કરાવે છે જેથી કૃત્રિમ પગ લગાવી શકાય
અમદાવાદ. ‘કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં મેં પગ ગુમાવ્યા હતા. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા પછી જ્યારે મને ખબર પડી કે મેં બંને પગ ગુમાવ્યા છે ત્યારે મગજમાં એક જ વિચાર ચાલતો હતો કે હવે મારું ભવિષ્યમાં શું થશે?, પણ મારી માતાએ મને જરાય લાગવા દીધું નથી કે મારે પગ નથી. મારી મા જ મારા પગ છે. તે મને દરેક કામમાં મદદની સાથે મારો આત્મવિશ્વાસ વધારતી રહે છે.’ કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં બંને પગ ગુમાવનાર 14 વર્ષના તીર્થ ભાવસાર માટે તેની માતા જ ‘વોરિયર’ છે.
રોજ ત્રણ કલાક તીર્થનાં માતા પ્રતિભા ભાવસાર તેને કસરત કરાવે છે
દુર્ઘટના બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે, જમણા પગમાં તાકાત આવશે ત્યારે તીર્થ ફરી એકવાર ચાલતો થઈ જશે. જમણો પગ ૩૦ ટકા કામ કરતો થઈ જાય તો તેના બીજા પગમાં તાકાત આવે ત્યાર બાદ કુત્રિમ પગ લગાવીને ફરીથી ચાલતો થઈ શકે છે. બસ ત્યારથી રોજ ત્રણ કલાક તીર્થનાં માતા પ્રતિભા ભાવસાર તેને કસરત કરાવે છે. આ સાથે કૃત્રિમ પગ ખરીદવા માટે પૈસા પણ ભેગા કરી રહી છે. માએ દુર્ઘટનાના 5 દિવસ પહેલા સાઇકલ અપાવી હતી.
માતા પુત્રને આ સાઇકલ ફરી એક વાર ચલાવતો જોવા માગે છે
કાંકરિયા રાઇડ દુર્ઘટનાના પાંચ દિવસ પહેલાં જ તીર્થની માતા તેના માટે નવી સાઇકલ લાવી હતી. હાલ તો પ્રતિભાબહેન તેમના પુત્રને આ સાઇકલ ફરી એક વાર ચલાવતો જોવા માગે છે. પ્રતિભાબહેન જણાવે છે કે, પહેલા ઘરના દરેક કામ તીર્થ પોતે કરતો હતો. મારી પ્રભુને એક જ પ્રાર્થના છે કે મારો તીર્થ ફરી દોડતો થઈ જાય અને ઘરનું તમામ કામ કરે. મને આશા છે કે, ભગવાન મારી વાત જરૂર સાંભળશે.