ભૂકંપ બાદ રણની 1600 ચો.કિમી ભૂમિ હરિયાળી થઇ, મોટા રણમાં ઝડપથી ઘાસ ઉગી રહ્યું હોવાનું ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકનું તારણ

india

લાખોંદ. ભૂકંપ બાદ ઉદ્યોગોનો વિકાસ તો થયો સાથે સાથે રણ પણ હરિયાળું બનવાનું શરુ થઇ ગયું છે,આ તારણ છે ઇસરોના નિવૃત વૈજ્ઞાનિકનું ! ડો.પી.એસ.ઠક્કરના તાજેતરના તારણ મુજબ સેટેલાઇટ ઈમેજના માધ્યમથી એ બાબત સામે આવી છે કે,રણમાં 1600 ચોરસ કિલોમીટર વિસ્તાર હરિયાળો બની ગયો છે.

કચ્છના નાના-મોટા રણમાં ચાલીસ વર્ષથી અભ્યાસ કરી રહેલા પી.એસ.ઠક્કરે દિવ્ય ભાસ્કરથી વાત કરતા કહ્યું કે,કચ્છની સરહદ નજીકનો રણ વિસ્તાર બેટ ઝોનથી ઓળખાય છે,ત્યાં હાલ અનેક પ્રકારના ઘાસ ઉગી ગયા છે.તો કેટલાય વૃક્ષ રણને હરિયાળું બનાવી રહ્યા છે.શક્તિબેટ,વિઘાકોટ,બેડિયાબેટ અને કંજરકોટ સહીત વિસ્તારમાં ધર્મશાળાથી લઈને ઝીરો પોઇન્ટ અને હરામીનાળા સુધીમાં ઘાસ અને વૃક્ષોની રણમાં હાજરી નોંધાઈ છે,હવે તો બનાસકાંઠાના નડાબેટ નજીક સુધી આ પ્રકારના ઘાસ જોવા મળી રહ્યા છે.

વર્ષ 2001 ના ભૂકંપ બાદ રણની સપાટી ઉપર આવી છે,તદુપરાંત આ વિસ્તારમાં બોર્ડર રોડ નવા બની જતા આ વિસ્તારમાં પાકિસ્તાનના વરસાદ બાદ આવતો કાંપ રોકાઈ જાય છે.જે અહીંના ઘાસ કે છોડ માટે ચેકડેમનું કામ કરે છે.આ દરમ્યાન રેતી કાઢવા જે ખાડા બનાવાય છે,તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થતા ઘાસ ઉગે છે.નાના-મોટા બેટ વિસ્તારમાં પીળું,ખીજડા,બોરડી અને કેર સહિતના ઝાડ ઉગ્યા છે.ઉપગ્રહની તસવીરોના આધારે આ તારણ કાઢવામાં આવ્યું હતું,હાલના સમયમાં ફિલ્ડ વિઝીટ કરતા દર અડધા કલાકે મળતી સેટેલાઇટ ઇમેજ કોઈ પણ વિસ્તાર પર ધ્યાન રાખવા મહત્વની સાબિત થઇ શકે તેમ છે અને ત્યાંના ભૌગોલિક ફેરફારો પર નોંધ રાખી શકાય તેમ છે.

ભાલપ્રદેશ જેવો બદલાવ કચ્છમાં આવશે?
ભાલ પ્રદેશ જ્યાં હાલ ઘઉં અઢળક ઉગી રહ્યા છે,તે એક્સમય ખંભાત રણપ્રદેશથી ઓળખાયો હતો.1866-1886 વચ્ચે અહીં ઘાસિયા મેદાનમાં બદલાવ આવ્યા છે. આ પ્રકારના સમાન બદલાવ ભૂકંપના 20 વર્ષ બાદ કચ્છના રણમાં નોંધાયા હોવાનું ડો. પી. એસ. ઠક્કરે ટાંક્યું હતું.

8 હજાર વર્ષ પહેલાના સુનામીમાં આ વિસ્તાર બેસી ગયો હશે
ડો.ઠક્કર એમ પણ માને છે કે,રણનો આ પ્રદેશ અને કચ્છની મુખ્ય ભૂમિ અને નગર પારકરની ભૂમિ સાથે માર્ગ વાટે જોડાયેલા હશે. લગભગ આઠ હજાર વર્ષ પહેલા ગુજરાતમાં આવેલ સુનામીના કારણે કચ્છ જિલ્લાનો આ વિસ્તાર નીચે બેસી ગયો હશે.અને તેમાં શરૂઆતમાં નદીઓનું પાણી ઠલવાતું હશે. જેથી લગભગ પાંચસો વર્ષ સુધી તે મીઠા પાણીનું
સરોવર હતું. નાના-મોટા બેટ વિસ્તારમાં પીળું,ખીજડા,બોરડી અને કેર સહિતના ઝાડ ઉગ્યા છે.

રણમાં અરબસ્તાનની બે ઘાસની પ્રજાતિ ઉગે
કચ્છના મોટા રણમાં અરબસ્તાનની બે ઘાસની પ્રજાતિ પણ ઉગે છે તેવું આ સંશોધનની ફિલ્ડ વિઝીટ દરમ્યાન ધ્યાને આવ્યું હતું.સંશોધક જયારે આ વિસ્તારમાં સંશોધન માટે જતા ત્યારે પાંચથી છ કિલો બીજ લઈ જતા અને રણમાં ફેંકી દેતા,જેથી ક્યારેક તો વૃક્ષો ઉગશે તેવી ડો ઠક્કરને અપેક્ષા હતી.

ઘાસ થકી વન્યજીવ સંપદા અદભૂત દેખાય છે
આ ઘાસ થકી નીલગાય,ચિંકારા અને ઝરખ સહિતના વન્યજીવોને આશરો મળી રહે છે.પક્ષીઓમાં વ્હાઇટ સ્ટોર્ક અને મેલાર્ડ સાથે રેપટર એટલે કે શિકારી પક્ષીઓ પણ વધુ જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના વરસાદ બાદ આવતો કાંપ રોકાઈ જાય છે.જે અહીંના ઘાસ કે છોડ માટે ચેકડેમનું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *