ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઉમેદવારો નક્કી કરવાની કવાયત શરૂ: હવે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

Gujarat Politics National Politics Politics

મોદી-કેજરીવાલ-રાહુલની સભાઓ ગજવવા માટે ગોઠવાઈ રહેલા કાર્યક્રમોઃ બેઠકોનો ધમધમાટઃ રાજકીય ગતિવિધિ તેજ

અમદાવાદ/નવી દિલ્હી તા. ૪ઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષોએ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરાઈ છે અને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ હવે ગુજરાતમાં પ્રચાર માટે ધામા નાંખશે. આ અંગેના કાર્યક્રમો પણ ગોઠવાઈ રહ્યા છે.

ગુજરાતમાં વિધાનભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો છે. અત્યાર સુધી ધીમી ગતિએ ચાલતી ઉમેદવારની પસંદગી, પ્રચાર સહિતની કામગીરીમાં વેગ આવ્યો છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય પક્ષોમં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા બૂલેટ ટ્રેનની સ્પીડે શરૃ થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીએ વધુ ૧૦ ઉમેદવાર જાહેર કરતા હવે કુલ ૧૧૮ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનું પણ આયોજન થઈ રહ્યું છે, જ્યારે વડાપ્રધાન મોદી ૬ નવેમ્બરે ગુજરાત આવી રહ્યા છે.

ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની પહેલા દિવસની ચર્ચામાં ૧૩ જિલ્લાની ૪૭ બેઠકના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારપછી અમિત શાહ, સી.આર. પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલની બંધબારણે બેઠક પણ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બીજા દિવસે પણ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે. જેમાં પ૮ બેઠકના ઉમેદવારો માટે મંથન કરવામાં આવશે. ગાંધીનગરની પ, મહેસાણાની ૭, અમરેલીની પ બેઠક, બોટાદની ર બેઠક, અમદાવાદમાં પ બેઠક, ભાવનગરની ૭, ખેડાની ૬ બેઠક, જામનગરની પ બેઠક, પંચમહાલની પ, નવસારીની ૪, ભરૃચની પ બેઠક માટે ચર્ચા થશે.

વડાપ્રધાન મોદીના સતત પ્રવાસોને લઈ કોંગ્રેસમાં રાહુલ ગાંધીના પ્રવાસો અંગે પણ અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે ભારત જોડો યાત્રામાંથી સમય કાઢી રાહુલ ગાંધી ૩ દિવસ માટે ગુજરાત આવશે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને ગુજરાત કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે. તેઓ નવેમબરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવીને ચારથી પાંચ સભાઓ ગજવી શકે એવું આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળે છે.

સૂત્રોના મતે રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં સભાઓ સંબોધી શકે છે. એ ઉપરાંત પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવે એવી શક્યતા છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ૬ નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વલસાડ અને સુરેન્દ્રનગરમાં જનસેભાને સંબોધશે. આ સિવાય તેઓ આ જ દિવસે ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ચૂંટણી જાહેરાત પછી પીએમ મોદીનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે.

આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરશે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ કહ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત જનતાના મતથી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવ્યો છે. બીજી તરફ આપ પાર્ટી ચૂંટણી જાહેર થયા પછી વધુ ૧૦ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ડિસેમ્બર મહિનાની સંભવિત ચૂંટણીના એક મહિના અગાઉ આજે આમ આદમી પાર્ટીએ વધુ ૧૦ ઉમેદવારની યાદી સાથે નવમું લિસ્ટ બહાર પાડ્યું છે. આ નવી યાદી સાથે આપએ વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ૧૧૮ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આપ તમામ ૧૮ર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે.

ગુજરાતમાં ર૭ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર રાજ્યમાં સત્તા જાળવી રાખવાનો દાવો કરી રહી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ પણ સત્તામાં વાપસીને લઈને આત્મવિશ્વાસમાં નજરે પડી રહી છે, જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજ્યમાં સત્તા પરિવર્તનનો દાવો કર્યો છે. ગુજરાતના રાજકીય ક્ષેત્રે પણ મક્કમતાથી ધૂમ મચાવતા જોવા મળે છે.

આજે કોંગ્રેસ સ્ક્રીનીંગ સમિતિની બેઠક છે. જેમાં કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોના નામ ફાઈનલ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં આજે સાંજે ૪ વાગ્યે કોંગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક છે. સીઈસી એટલે કે કેન્દ્રિય ચૂંટણી સમિતિની આ બેઠક દિલ્હીમાં કોંગ્રેસના  મુખ્યાલયમાં યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં કોંગ્રેસ આજે ગુજરાતમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરશે.

ગુજરાત ચૂંટણીને લઈને આજે યોજાનારી આ બેઠક સીઈસીની બીજી બેઠક છે. જેમાં ૭૦ થી ૮૦ ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ સીઈસીની પ્રથમ બેઠકમાં ૧૧૦ જેટલા ઉમેદવારોના નામને મંજુરી આપવામાં આવી છે. સૂત્રો મુજબ ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા પછી કોંગ્રેસ ટૂંક સમયમાં જ તેના ઉમેદવારોની સંપૂર્ણ યાદી જાહેર કરશે.

ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, જ્યારે આમ આદમી પાર્ટીએ લગભગ ૧૧૮ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કુલ ૧૮ર વિધાનસભા સીટો છે. ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત છઠ્ઠી વખત ૯૯ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *