સયાજી હોસ્પિટલમાં ICU-1માં વેન્ટિલેટર ઘમણ-1માં લાગેલી આગના CCTVની તસવીર

ઢાંકપિછોડો:વડોદરામાં SSGમાં વિવાદાસ્પદ વેન્ટિલેટર ધમણ-1માં આગ મામલે FIR નોંધવામાં પોલીસના ઠાગાઠૈયા, 48 કલાક બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી

Gujarat Vadodara
  • 8 સપ્ટેમ્બરે સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરના ICU-1માં આગ લાગતા 40 દર્દીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો
  • સયાજી હોસ્પિટલમાં આગની ઘટનાનો વીડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખુલી ગઇ
  • આગની ગંભીર ઘટના અંગે હજી સુધી પોલીસ ફરિયાદ ન થતાં તંત્રની કામગીરી શંકાના ઘેરામાં
  • ધમણથી આગ નથી લાગી તેવું કાગળ પર લાવવા માટેના ઢાંકપિછોડા થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં 8 સપ્ટેમ્બરના રોજ કોવિડ સેન્ટરના પહેલા માળે ICU-1માં લાગેલી આગના બનાવને 48 કલાક જેટલો સમય વિતવા છતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ હોસ્પિટલમાં વિવાદાસ્પદ વેન્ટિલેટર એવા ધમણ-1માં સ્પાર્ક થવાથી આગ લાગી હતી. આ કેસમાં ધમણ-1નું નામ હોવાને કારણે વડોદરા પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ઠાગાઠૈયા કરી રહી છે. માત્ર એટલું જ નહીં, પોલીસ અને તંત્ર બન્ને ચલકચલાણું રમી રહ્યા છે. JCP કહે છે સયાજી હોસ્પિટલની ઓથોરિટી ફરિયાદ કરશે તો ફરીયાદ લઈશું. તો બીજી બાજુ OSD કહે છે કે, તપાસ સમિતિના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

સમયસર આગ પર કાબૂ ન આવ્યો હોત તો 40 કોરોનાના દર્દીઓ આગમાં ભડથું થઈ ગયા હોત​​​
આ આગના CCTV ફૂટેજ વાઇરલ થયા હોવા છતાં પોલીસ ફરિયાદ થઇ નથી. જો સમયસર બચાવ કામગીરી ન થઇ હોત તો 40 જેટલા કોરોનાના દર્દીઓ આગમાં ભડથું થઇ ગયા હોત. સયાજી હોસ્પિટલમાં આવો ગંભીર પ્રકારનો બનાવ બન્યા પછી પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.

JCP કહે છે કે, સયાજી હોસ્પિટલની ઓથોરિટી ફરિયાદ કરશે, તો ફરિયાદ લઇશું
વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કરોડિયાએ જણાવ્યું હતું કે, હજી સુધી પોલીસ વિભાગ ફરિયાદ કરવામાં આવી નથી. જાણવાજોગ નોંધ કરી છે. સયાજી હોસ્પિટલની ઓથોરિટી દ્વારા ફરિયાદ કરવામાં આવશે તો અમે ફરિયાદ લઇશું.

OSD કહે છે કે, તપાસ સમિતિના રિપોર્ટ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે
તંત્રએ વિવાદ વકરે તે પહેલા જ તપાસ સમિતિ બનાવીને સંતોષ માની લીધો છે. પોલીસ ફરિયાદ હજી સુધી ન થવા પાછળનું કારણ આપતા OSD વિનોદ રાવે જણાવ્યું હતું કે, તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જે કોઇ જવાબદાર હશે, તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ કરવી કે. કેમ તે પોલીસનો વિષય છે.

વીડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખુલી ગઇ, છતાં કાર્યવાહી થઇ નથી
ધમણની ખરીદીથી લઇને અત્યાર સુધીમાં અનેક વિવાદો સામે આવ્યા છે અને એજ ધમણના કારણે સયાજી હોસ્પિટલમાં આગની ઘટના બની હોવા છતાં પોલીસ ફરિયાદ કરવામાં હજી પણ તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે, એ પણ એક સવાલ છે. તો શું ધમણના કારણે આગ લાગી નથી તેવુ સાબિત કરવા માટે તંત્ર દ્વારા કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી? ધમણથી આગ નથી લાગી તેવું કાગળ પર લાવવા માટેના ઢાંકપિછોડા થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, જોકે ધમણ-1ના કારણે જ વીડિયો વાઇરલ થતાં ધમણની પોલ ખુલી ગઈ છે અને ધમણ કેટલુ દર્દીઓ માટે યોગ્ય હતું, તે પૂરવાર થઇ ગયું છે.

ચર્ચાસ્પદ ધમણ-1માં આગ લાગતા તંત્ર મૂંઝમણમાં મૂકાયું
સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં લાગેલી આગના બનાવ પૂર્વે પણ હોસ્પિટલના વિવિધ વોર્ડમાં શોર્ટ સર્કિટના બનાવો બન્યા હતા. નાના મોટા બનાવો બાદ પણ સયાજી હોસ્પિટલના ખાડે ગયેલા તંત્રએ ગંભીરતા લીધી નહોતી. નોંધનીય બાબત એ પણ છે કે, 8 સપ્ટેમ્બરે લાગેલી આગના 2 દિવસ પહેલા મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ. આગની ઘટના સયાજી હોસ્પિટલના ઇલેક્ટ્રિક મીટરો કે વાયરમાં લાગવાને બદલે ચર્ચાસ્પદ ધમણ-1માં લાગતા તંત્ર માટે પણ મૂંઝમણમાં મૂકતો પ્રશ્ન બની ગયો છે.

ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સ્થાને 4 સભ્યોની તપાસ સમિતિ બનાવી છે
48 કલાક પછી પણ પોલીસ ફરિયાદ ન થતાં તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. જોકે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે 8 સપ્ટેમ્બરના રોજ લાગેલી આગની ઝીણવટભરી તટસ્થ તપાસ કરવા અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)ના અધ્યક્ષસ્થાને તપાસ કમિટીની રચના કરવા માટે હુકમ કર્યો હતો. જે હુકમના આધારે OSD વિનોદ રાવ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ)ના અધ્યક્ષ સ્થાને 4 સભ્યોની તપાસ સમિતિ બનાવી હતી. જે સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમિતિ 4 દિવસમાં આગની ઘટનાનો રિપોર્ટ સોંપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *