નવી દિલ્હી. કરચોરી રોકવા માટે સરકારે ટેક્સપેયર્સ ચાર્ટર સહિત નવા ઘણા ઉપાય કર્યા છે. હવે બિઝનેસ ક્લાસમાં હવાઇ મુસાફરી, વિદેશયાત્રા, 20 હજાર રૂ.થી વધુ હોટલ બિલ, 20 હજાર રૂ.થી વધુ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તથા 1 લાખ રૂ.થી વધુ વાર્ષિક સ્કૂલ ફી ભર્યાની માહિતી આપોઆપ જ આવકવેરા વિભાગ સુધી પહોંચી જશે. સરકારે ગુરુવારે જાહેર કરેલા આવકવેરા સુધારામાં આવા 11 ઉપાય કર્યા છે.
નવી જોગવાઇઓ હેઠળ ફોર્મ – 26એએસમાં નવી 11 પ્રકારની માહિતી સામેલ થશે. જે કોઇ સંસ્થાનને ચુકવણી થશે તે ચુકવણી કરનારનો પાન નંબર નોંધીને તે માહિતી આવકવેરા વિભાગને મોકલશે. અત્યાર સુધી 30 લાખથી વધુની સંપત્તિની ખરીદી, શેરોમાં 10 લાખનું રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, ડીમેટ, ક્રેડિટ કાર્ડ અને એફડીમાં 10 લાખથી વધુની લેવડદેવડની જ માહિતી અપાતી હતી.
લેવડ-દેવડ અને આવકના દાવામાં તફાવત હશે તો નોટિસ
લેવડ-દેવડના રેકોર્ડ અને ઇનકમ ટેક્સ રિટર્નમાં તફાવત જણાશે તો કરદાતાને નોટિસ જારી કરીને કારણ પૂછાશે. દા.ત. કોઇએ આવક 5 લાખ જાહેર કરી અને તેની લેવડ-દેવડ વધુ હોય તો નોટિસ આવી જશે.
11 પ્રકારની ચૂકવણીના આધારે આવકનું આકલન
- 1 લાખ રૂ.થી વધુ વાર્ષિક ફી કે ડોનેશન.
- 1 લાખ રૂ.થી વધુ રકમના લાઇટ બિલની ચૂકવણી.
- બિઝનેસ ક્લાસમાં ડોમેસ્ટિક કે આંતર રાષ્ટ્રીય હવાઇ મુસાફરી.
- 20 હજાર રૂ.થી વધુનું હોટલ બિલ ભરવું.
- 1 લાખ રૂ.થી વધુની જ્વેલરી, વ્હાઇટ ગુડ્સ, પેઇન્ટિંગ વગેરે ખરીદવા.
- કરન્ટ એકાઉન્ટમાં 50 લાખ રૂ.થી વધુ જમા કરવા કે ઉપાડવા.
- નોન-કરન્ટ એકાઉન્ટમાં 25 લાખ રૂ.થી વધુ જમા/ઉપાડ.
- 20 હજાર રૂ.થી વધુ વાર્ષિક પ્રોપર્ટી ટેક્સની ચુકવણી.
- 50 હજાર રૂ.થી વધુ જીવન વીમા પ્રીમિયમની ચુકવણી.
- 20 હજાર રૂ.થી વધુ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી.
- શેર ટ્રાન્ઝેક્શન/ડીમેટ એકાઉન્ટ/બેન્ક લૉકર હોવું.
ચાર્ટર બનાવવામાં એક વર્ષ લાગ્યું, યુએસ-કેનેડા જેવા દેશોનો અભ્યાસ
નવા ટેક્સ પેયર્સ ચાર્ટર બનાવવામાં એક વર્ષ લાગ્યું. આ માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, માલ્ટા, કેનેડા, ઇંગ્લેન્ડ જેવા દેશોના ચાર્ટરનો અભ્યાસ કરાયો હતો. કારણ કે આ દેશોમાં કોમન લૉ સિસ્ટમ છે. ચાર્ટર દ્વારા કરદાતાના 14 અધિકાર અને 6 કર્તવ્ય અંગે માહિતી અપાય છે.