દેશનાં રાજ્યોની કસોટી: કેરળ-ચંડીગઢ ફરી નંબર 1, હિમાચલ-તમિલનાડુ બીજા ક્રમે, તો ગુજરાત-દિલ્હી આરોગ્ય અને ઉદ્યોગ-ઈનોવેશન-ઈન્ફ્રા.માં ઉત્તમ

india
  • ઓવરઑલ રેંન્કિંગમાં ગુજરાત 10મા ક્રમે

કેન્દ્ર સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે ગુરુવારે દેશના 36 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ ક્ષેત્રમાં દેખાવના આધારે એક રિપોર્ટ જારી કર્યો છે. સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) એટલે કે ટકાઉ વિકાસને લગતા આ રિપોર્ટમાં તમામ રાજ્યોએ સામાજિક, આર્થિક અને પર્યાવરણ ક્ષેત્રે કરેલા કામોને 17 માપદંડ એટલે કે નિર્ધારિત લક્ષ્યાંકોના આધારે માપવામાં આવ્યા છે.

આ રિપોર્ટમાં ઓવરઑલ રેન્કિંગમાં કેરળ 100માંથી 75 અંક મેળવીને પહેલા ક્રમે રહ્યું છે, જ્યારે હિમાચલ અને તમિલનાડુ 74 અંક સાથે બીજા ક્રમે છે. ગયા વર્ષે પણ કેરળ પહેલા નંબરે હતું. આરોગ્ય અને ઉદ્યોગ, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધામાં ગુજરાત અને દિલ્હી સૌથી વધુ અંક મેળવીને ટોચ પર છે.

કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચંડીગઢ ઓવરઑલ રેન્કિંગમાં 79 અંક સાથે પહેલા ક્રમે છે, તો બિહાર 52 અંક સાથે તળિયે છે. ગયા વર્ષે પણ બિહાર તમામ ક્ષેત્રમાં સૌથી પાછળ હતું. આ ઈન્ડેક્સમાં સારો દેખાવ કરીને ત્રીજો ક્રમ હાંસલ કરનારા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગોવા, કર્ણાટક, ઉત્તરાખંડનો સમાવેશ થાય છે, જ્યારે સિક્કિમ ચોથા અને મહારાષ્ટ્ર પાંચમા ક્રમે છે, તો સૌથી ખરાબ દેખાવ કરનારા રાજ્યોમાં આસામ, ઝારખંડ સામેલ છે.

કોઈ પણ રાજ્યે વિવિધ ક્ષેત્રમાં વિકાસનું લક્ષ્ય કેટલું હાંસલ કર્યું તે માપવાનું આ પ્રાથમિક સાધન છે. તેના થકી રાજ્યો વચ્ચે સ્પર્ધા વધે છે. એસડીજી-2020 રિપોર્ટ તૈયાર કરવા 17 ગોલ, 70 ટાર્ગેટ અને 115 ઈન્ડિકેટર્સને રાજ્યના વિકાસનો આધાર મનાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *