- ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન આપવામાં જરૂરી માપદંડોની કરાયેલી અવગણના કોરોનાથી સાજા થયેલા દર્દીઓને ભારે પડી
- મેડિકલ ઓક્સિજનની શુદ્ધતા 99.6 ટકા અને ઇન્ડસ્ટ્રિયલની 92થી 93 ટકા હોય છે
- મેડિકલ ઓક્સિજનમાં પ્રેશર મેઇન્ટેન કરાય છે, ઇન્ડસ્ટ્રિયલમાં એ ધ્યાન રખાતું નથી
- સિલિન્ડર અને નોઝલની સફાઈમાં બેદરકારી પણ ફંગલ ઇન્ફેક્શનનું કારણ
- બંને લહેરમાં સારવાર સમાન હતી, પણ આ વખતે ફરક મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ ઓક્સિજનનો હતો
કોરોનાની બીજી લહેરમાં ગંભીર પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની ખૂબ જ જરૂર ઊભી થઈ હતી. સમયસર ઓક્સિજન ન મળતાં અનેક દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ પરિસ્થિતને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજનનું ઉત્પાદન કરતા એકમોને સંપૂર્ણ પ્રોડક્શન હોસ્પિટલોમાં આપવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ ઓક્સિજનનું પ્રોડક્શન વધારવા જતાં ઓક્સિજનની શુદ્ધતાના માપદંડ જળવાયા ન હતા. કોરોનાના દર્દીઓને 99.6 ટકા શુદ્ધતાવાળા ઓક્સિજનને બદલે 92થી 93 % શુદ્ધતા ધરાવતા ઓક્સિજન ચઢાવાતાં મ્યુકોરમાઇકોસિસના કેસો વધ્યા હોવાનું ડોક્ટરો માને છે.
બીજી લહેરમાં મોટા પ્રમાણમાં કેસ સામે આવ્યા
મેડિકલ ઓક્સિજન ભરવા માટે ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન, આર્ગોન, હાઈડ્રોજન સહિત અન્ય ગેસના સિલિન્ડરનો પણ ઉપયોગ થયો છે. વધુમાં મેડિકલ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે પણ જરૂરી ગાઇડલાઇન્સનું પાલન કર્યા વગર લોકો ઓક્સિજન સિલિન્ડર ઘરે કે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં દર્દીઓમાં ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. આઈસીયુમાં દાખલ થયેલા ગંભીર સંક્રમિત દર્દીઓની સારવાર અને દવાઓ કોરોનાની બંને લહેરમાં સરખી જ હતી, અંતર માત્ર મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ ઓક્સિજનનું હતું. ગુજરાતમાં ઓક્સિજનની શુદ્ધતા સાથે થયેલી બાંધછોડ પણ બ્લેક ફંગસ માટે જવાબદાર હોવાનું મનાય છે.
ઉત્પાદન વધારવામાં શુદ્ધતા સાથે સમાધાન
ઓક્સિજનનું ઉત્પાદન કરતા એકમો તેમ જ રિફિલિંગ પ્લાન્ટને 100 ટકા ઉત્પાદન હોસ્પિટલોમાં ફાળવવા આદેશ આપવામાં આવ્યો હતો. એની સાથે જ ઉત્પાદન એકમોને ઉત્પાદન વધારવા પણ સૂચના આપવામાં આવી હતી. ઉત્પાદન વધારવા જતાં ઓક્સિજનની શુદ્ધતા સાથે બાંધછોડ કરવી પડી હતી. ઉત્પાદન વધારતાં ઓક્સિજનની શુદ્ધતા 92થી 93 ટકા જેટલી જ મળી હતી. જ્યારે શુદ્ધ ઓક્સિજન 99.6 ટકા જેટલો હોવો જરૂરી છે.
મેડિકલ કરતાં ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન અશુદ્ધ હોય છે
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોક્ટર પ્રફુલ કમાણીના જણાવ્યા અનુસાર, ઓક્સિજનની અછત હતી ત્યારે એવા યુનિટ કે જ્યાં ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન અપાતો હતો ત્યાંથી સિલિન્ડર ભરાયાં હતાં. મેડિકલ ઓક્સિજનનો સપ્લાઇ અને ગુણવત્તાની સરખામણીએ આ ઓક્સિજન અશુદ્ધ હોય છે તેમ જ તેનાં ઉપકરણો પણ એ ગ્રેડના હોતાં નથી.
ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન આ 2 કારણથી પણ જોખમી સાબિત થયો
1. નાઇટ્રોજન, આર્ગોન, હાઇડ્રોજનના સિલિન્ડરોનો ઉપયોગ કરાયો
લોકોએ નાઇટ્રોજન, આર્ગોન, ગેસનાં સિલિન્ડરોમાં ઓક્સિજન ભરીને એનો ઉપયોગ કર્યો હતો. આવાં સિલિન્ડર ભરતાં પહેલાં એને ક્લિનિંગની સાથે હીટિંગ એટલે કે ભેજ દૂર કરવાની પ્રક્રિયા કરવી પડે. ત્યાર બાદ જ એમાં ઓક્સિજન ભરી શકાય, પરંતુ ઓક્સિજનની ડિમાન્ડ વધુ હોવાથી કોઈપણ પ્રક્રિયા વગર જ આવાં સિલિન્ડરોમાં ઓક્સિજન ભરી એનો ઉપયોગ થયો હતો. એ જ રીતે અનેક જગ્યાએ કાર્બનડાયોક્સાઇડ અને હાઈડ્રોજન ગેસનાં સિલિન્ડર પર ઓક્સિજન વાલ્વ લગાવી એમાં ઓક્સિજન ભરવામાં આવ્યો હતો અને લોકોએ એનો ઉપયોગ પણ કર્યો છે, જે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે.
2. ટ્રાન્સપોર્ટેશન ખુલ્લી ગાડીમાં ન કરાયું, નળના પાણીનો ઉપયોગ
ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટથી હોસ્પિટલ સુધી કે ઘર સુધી ઓક્સિજન સિલિન્ડર લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનના પણ કેટલાક નિયમો છે, જેમાં આ સિલિન્ડરનું ટ્રાન્સપોર્ટેશન ખુલ્લી ગાડી એટલે કે ટેમ્પો, ટ્રક કે ટ્રેક્ટરમાં જ થઈ શકે છે. જ્યારે સ્કૂટર પર, રિક્ષામાં કે કારમાં તેનું ટ્રાન્સપોર્ટેશન ન થઈ શકે, પરંતુ કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા લોકોએ કારમાં કે અન્ય બંધ વાહનમાં સિલિન્ડરનું ટ્રાન્સપોર્ટેશન કર્યું હતું. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાઇ દરમિયાન કેટલીક જગ્યાએ નળના પાણીનો ઉપયોગ થાય છે, હકીકતમાં એમાં ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ
થવો જોઈએ.
રિફિલિંગ વખતે શું ધ્યાન રાખવું?
સિલિન્ડરમાં ગેસ તપાસવો અને સેનિટાઇઝેશન જરૂરી
- ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરતાં પહેલાં જરૂરી સ્વચ્છતાની સાથે એને સેનિટાઇઝ કરવું જોઈએ, પરંતુ જરૂરિયાત વધુ હોવાથી સિલિન્ડરને સેનિટાઈઝ કરવા તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી અને એને કારણે પણ લોકોને ફંગસ લાગી હોવાની શક્યતા વધુ રહે છે.
- ઓક્સિજન રિફિલિંગ વખતે એસિટિલિન તથા અન્ય ગેસની તપાસ કરવી જોઈએ. સિલિન્ડરમાં આવા ગેસ ન હોય તો જ ઓક્સિજનનું રિફિલિંગ કરવું જોઈએ.
નોઝલની સાથે અન્ય સાધનો પણ જંતુરહિત કરવાં જરૂરી
ઓક્સિજન સિલિન્ડર ભરતાં પહેલાં સિલિન્ડરના નોઝલ (વાલ્વ)ને જંતુરહિત કરવા જોઈએ, પરંતુ ઓક્સિજનની જરૂરિયાત વધુ હોવાથી અને સિલિન્ડરો માટે પડાપડી હોવાથી નોઝલને જંતુરહિત કરવાની પ્રક્રિયા થઈ ન હતી. ઉપરાંત દર્દીઓને લગાવાતી ઓક્સિજન ટ્યૂબ પણ સમયાંતરે બદલવી જોઈએ.