ત્રીજી લહેર રોકવી હોય તો નિષ્ણાતોનું સાંભળો: નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ કહ્યું, ‘સરકાર તમામ મોટા આયોજનો પર એક વર્ષ માટે રોક લગાવે’

india
  • રેલીઓ અને ધાર્મિક આયોજનો જ નહીં, પાર્ટી-લગ્નો પર પ્રતિબંધ મૂકો
  • આ ગાળામાં દેશના વધુને વધુ નાગરિકોનું રસીકરણ પૂરું કરો

દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને હજુ ત્રીજી લહેરની આશંકા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફક્ત સરકાર જ નહીં, અદાલતો પણ ત્રીજી લહેરને લઈને ચિંતિત છે. મહામારી નિષ્ણાતો કહે છે કે, આ ભવિષ્યવાણી અત્યારથી ના કરી શકાય, પરંતુ એટલું નક્કી છે કે જો હાલ પ્રજા અને સરકાર પોતાપોતાની ભૂમિકા યોગ્ય રીતે નિભાવશે, તો કદાચ ત્રીજી લહેરને કાબુમાં રાખી શકાશે.

તમામ મોટા કાર્યક્રમો પર રોકની જરૂર
નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય પ્રો. કે. શ્રીનાથ રેડ્ડીનું કહેવું છે કે, ત્રીજી લહેર જેવી સ્થિતિ જ ના સર્જાય, તેના માટે સામાન્ય લોકો કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરે અને સરકાર પણ એક વર્ષ સુધી દેશમાં તમામ મોટા આયોજન પર રોક લગાવી દે. તેમાં રેલી, ધાર્મિક આયોજનો જ નહીં, મોટી પાર્ટીઓ કે લગ્ન સમારંભો પર પણ સંપૂર્ણ રોક લગાવાય. આવું કરવાથી ના ફક્ત સંક્રમણની ગતિ ઘટશે, પરંતુ આ દરમિયાન મોટા ભાગનાને રસી આપીને તેમને સુરક્ષિત પણ કરી શકાશે.

વર્ષના શરૂઆતમાં લોકોએ છૂટછાટો લીધી
ગયા અઠવાડિયે દેશમાં ત્રીજી લહેરને અનિવાર્ય કહેનારા મુખ્ય વિજ્ઞાન સલાહકાર કે. વિજયરાઘવનનું પણ કહેવું છે કે, જો આપણે આકરા પગલાં લઈશું તો શક્ય છે કે ત્રીજી લહેર દરેક સ્થળે ના આવે. એ પણ શક્ય છે કે, ક્યાંય ના આવે. જોકે, આપણે કોરોના ગાઈડલાઈનનું કેટલું પાલન કરીએ છીએ, તેના પર તે નિર્ભર છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જિનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રલ બાયોલોજીના ડિરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલનું કહેવું છે કે, આ વર્ષની શરૂઆતમાં લોકોએ ખૂબ છૂટછાટો લીધી હતી, જેના પરિણામો આપણી સામે છે. જો હજુ પણ આપણે ગાઈડલાઈનનું પાલન કરીએ અને મોટા ભાગની વસતીનું રસીકરણ કરીએ, તો શક્ય છે ત્રીજી લહેર એટલી ઘાતક ના રહે. (એજન્સી ઈનપુટ સાથે)

અમેરિકા-બ્રિટન માને છે કે, નવો ઈન્ડિયન વેરિયન્ટ વેક્સિનથી બચી શકે છે
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન માને છે કે, કોરોનાના વેરિયેન્ટ બી.1.617ની ભારતમાં હાલની સ્થિતિમાં બહુ મોટી ભૂમિકા છે. તે ઈન્ડિયન વેરિયેન્ટ નામે પણ ઓળખાય છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પહેલીવાર ભારતમાં જોવા મળેલા આ વેરિયેન્ટને તેના સતત મ્યુટેશનના કારણે ડબલ્યુએચઓએ ‘વેરિયેન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની શ્રેણીમાં રાખ્યો છે. જોકે, અમેરિકા અને બ્રિટન તેને ‘વેરિયેન્ટ ઓફ કન્સર્ન’ કહે છે. આ શ્રેણી એ વેરિયેન્ટ માટે હોય છે, જે મૂળ વાયરસથી વધુ ખતરનાક, વધુ સંક્રમક અને વેક્સિનની અસરથી બચી જાય છે. સ્વામીનાથન કહે છે કે, ઝડપથી ડબલ્યુએચઓ પણ અમેરિકા-બ્રિટન સાથે સંમત થઈ શકે છે. જો આ વેરિયેન્ટ વેક્સિનથી બચી રહ્યો છે, તો તે આખા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આ વેરિયેન્ટના કેટલાક મ્યુટેશન વધુ સંક્રમક છે અને વેક્સિન કે કુદરતી રીતે બનેલા એન્ટિબોડી સામે પણ લડે છે.

130 કરોડની વસતીમાં ફક્ત 3.54 કરોડ ડોઝ, તેમાં પણ આવી ભૂલો

  • 3,54,59,119 લોકોને જ અત્યાર સુધી રસીના બંને ડોઝ આપી શકાયા છે. 13,39,80,544 લોકોને પહેલો ડોઝ આપી શકાયો છે.
  • 4.93 લાખ લોકો આઈસીયુમાં ગયા અત્યાર સુધી
  • 9.14 લાખ લોકોને ઓક્સિજનની જરૂર પડી

કેટલાક નિષ્ણાતોનો મતઃ વાઈરસનો નવો વેરિયન્ટ આવે તો ત્રીજી લહેર શક્ય
વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિનના વડા ડૉ. પ્રો. જુગલ કિશોરનું કહેવું છે કે, રાષ્ટ્રીય સ્તરે ત્રીજી લહેરની આશંકા ચિંતાજનક છે. એકથી દોઢ મહિનામાં સંક્રમણની ગતિ પૂર્વોત્તર ભારત તરફ વધશે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ફરી આવી સ્થિતિ નહીં સર્જાય. હવે વાઈરસનો કોઈ નવો વેરિયેન્ટ આવે, તો ત્રીજી લહેર આવી શકે છે. જોધપુરની એનઆઈઆઈઆરસએનસીડી (આઈસીએમઆર)ના ડિરેક્ટર ડૉ. અરુણ શર્મા કહે છે કે, વિજ્ઞાનીઓને તમામ મ્યુટેશનની ઓળખ કરવાનો સમય નથી મળતો. એટલે હાલ ગાઈડલાઈનનું પાલન જ બચવાનો ઉપાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *