- 1999થી 2016 વચ્ચે પશ્ચિમ બંગાળમાં દર વર્ષે સરેરાશ 20 રાજકીય હત્યાઓ થઈ છે, જેમાં સૌથી વધુ 50 હત્યા 2009માં થઈ
- 1988-89ના સમયગાળા દરમિયાન થયેલી હિંસામાં 86 કાર્યકર્તાઓના મોત થયા, જેમાંથી 34 માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના હતા અને 19 કોંગ્રેસના
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં જેની લાઠી તેની ભેંસની તર્જ પર હિંસાની રાજનીતિ સતત ઉગ્ર બની રહી છે. સત્તાના બંને દાવેદાર એટલે કે સત્તારૂઢ પાર્ટી તૃણુમૂલ કોંગ્રેસ અને ભાજપ પોતપોતાની જમીનને મજબૂત કરવા માટે હિંસાનો સહારો લઈ રહી છે. જો કે, બંને પાર્ટી આ માટે એકબીજાને જવાબદાર ગણાવે છે. ભાજપ કાયદા અને વ્યવસ્થા કથળી ગયા હોવાનો આરોપ લગાવે છે તો તૃણુમૂલ કોંગ્રેસ તેમના પર સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવે છે. ગત સપ્તાહે ભાજપના કોર્પોરેટર મનીષ શુક્લની હત્યા પછીથી રાજ્યનું રાજકીય વાતવરણ વધુને વધુ ગરમાઈ રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાનો ઈતિહાસ ઘણો જ જૂનો છે. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સત્તારૂઢ પાર્ટીને કોઈ વિપક્ષી પાર્ટીથી પડકાર મળે છે તો હિંસાની ઘટનાઓમાં વધારો થાય છે. આ સિલસિલો ડાબેરી અને તેની પહેલાં કોંગ્રેસની સરકારના સમયગાળામાં પણ જોવા મળ્યો. આ કડીમાં હવે તૃણુમૂલ કોંગ્રેસને ભાજપ તરફથી મળતા પડકારને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ હિંસાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે.
કોરોના અને તેના કારણે થયેલા લોકડાઉનમાં પણ આવી ઘટનાઓ પર અંકુશ નથી જોવા મળ્યો. ગત ત્રણ મહિનામાં ભાજપના ઓછામાં ઓછા છ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઉત્તર દિનાજપુર જિલ્લામાં હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રાય પણ સામેલ છે. ભાજપે તે માટે તૃણુમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવ્યું હતું. જો કે, પોલીસે શબની પાસેથી સ્યૂસાઈડ નોટ મળી હોવાનો દાવો કર્યો હતો.
ભાજપના નેતાઓનો દાવો છે કે વર્ષ 2018ની પંચાયતની ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં તેમના લગભગ 100 કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ છે. જો કે, તૃણુમૂલ કોંગ્રેસ તેના માટે અંદરોદરની દુશ્મનાવટ અને પાર્ટીની અંદરની જૂથબંધીને જવાબદાર ગણાવે છે.
રાજકીય હિંસાનો આંકડા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)એ 2018ના પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં થનારી 54 રાજકીય હત્યાઓમાંથી 12 બંગાળમાં થઈ છે. પરંતુ, તે જ વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારને જે એડવાયઝરી મોકલી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં 96 હત્યાઓ થઈ છે અને સતત થનારી હિંસા ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. જે બાદ એનસીઆરબીએ ચોખવટ કરી હતી કે તેઓએ પશ્ચિમ બંગાળ સહિત કેટલાંક રાજ્યોમાંથી આંકડાઓનું સ્પષ્ટીકરણ નથી મળ્યું. તેથી તેમના આંકડાઓને ફાઈનલ ન ગણી શકાય.
તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્ષ 1999થી 2016 વચ્ચે પશ્ચિમ બંગાળમાં દર વર્ષે સરેરાશ 20 રાજકીય હત્યાઓ થઈ છે. જેમાં સૌથી વધુ 50 હત્યાઓ 2009માં થઈ. તે જ વર્ષે ઓગસ્ટમાં એમસીપીએ એક પત્ર જાહેર કરી દાવો કર્યો હતો કે 2 માર્ચથી 21 જુલાઈ વચ્ચે તૃણુમૂલ કોંગ્રેસે 62 કેડરની હત્યા કરી દીધી છે. તે સમયગાળો તૃણુમૂલ કોંગ્રેસ મજબૂતીથી આગળ આવી રહ્યું હતું. નંદીગ્રામ અને સિંગુરમાં જમીન અધિગ્રહણ વિરોધી આંદોલનથી મમતા બેનર્જીએ દેશ-વિદેશમાં ઘણાં ચર્ચામાં રહ્યાં હતા અને રાજ્યમાં તેમના કાર્યકર્તાઓ વર્ચસ્વની દોડમાં જોતરાયેલા હતા.
1980 અને 1990ના દશકામાં જ્યારે બંગાળના રાજકીય પરિદ્રશ્યમાં તૃણુમૂલ કોંગ્રેસ અને ભાજપનું કોઈ જ વર્ચસ્વ ન હતું, આ સમયગાળામાં ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે જ હિંસા જોવા મળતી હતી. 1989માં તત્કાલિન મુખ્યમંત્રી જ્યોતિ બસુ દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું હતું કે, 1988-89 દરમિયાન રાજકીય હિંસામાં 86 કાર્યકર્તાઓના મોત થયા હતા. તેમાંથી 34 ડાબેરીના હતા અને 19 કોંગ્રેસના. જ્યારે અન્ય ડાબેરીના સાથી પક્ષોના કાર્યકર્તાઓ સામેલ હતા.
તે સમયે માકપાના સંરક્ષણમાં કોંગ્રેસનીઓની કથિત હત્યાઓના વિરોધમાં કોંગ્રેસે રાષ્ટ્રપતિને અરજી કરીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગ કરી હતી. પાર્ટીએ દાવો કર્યો હતો કે વર્ષ 1989ના પહેલાં 50 દિવસ દરમિયાન તેના 26 કાર્યકર્તાઓની હત્યા થઈ ગઈ છે.
એનસીઆરબીના આંકડાથી સ્પષ્ટ છે કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન દેશભરમાં આવી હિંસામાં 16 રાજકીય કાર્યકર્તાઓની હત્યા થઈ હતી. તેમાંથી 44 ટકા એટલે કે સાત ઘટનાઓ આ રાજ્યમાં જ થઈ હતી.
રાજ્યમાં ભાજપ મજબૂતીથી સામે આવ્યાં બાદ રાજકીય હિંસા અને હત્યાઓની ઘટનાઓમાં વધારો થયો છે. વર્ષ 2018ની પંચાયત ચૂંટણીમાં સત્તાવાર આંકડા મુજબ, ઓછામાં ઓછા 50 લોકોની હત્યા થઈ હતી. જો કે, ભાજપના નેતા સોથી વધુ હોવાનો દાવો કરે છે.
રસપ્રદ વાત એ છે કે હિંસા અને રાજકીય હિંસા માટે આરોપોનો સામનો કરતી તૃણુમૂલ કોંગ્રેસ સરકારનો બચાવ કરતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયને ત્યારે કહ્યું હતું કે, “પંચાયતી ચૂંટણી દરમિયાન હિંસાનો ઈતિહાસ ઘણો જૂનો છે. 1990ના દશકામાં માકપાના શાસનકાળ દરમિયાન ચારસો લોકો માર્યા ગયા હતા. વર્ષ 2003ની ચૂંટણીમાં પણ 40 લોકોની હત્યા થઈ હતી. તેની તુલનાએ કેટલીક ડઝનેક ઘટનાઓ સામાન્ય છે.”
જેની લાઠી તેની ભેંસની તર્જ પર આ હિંસાના શિકાર તૃણુમૂલ કોંગ્રેસના લોકો પણ થાય છે. ગત વર્ષે 10 ફેબ્રુઆરીમાં નદિયા જિલ્લામાં ધારાસભ્ય સત્યજીત વિશ્વાસની તેમના ઘરની સામે જ સરસ્વતી પૂજાના પંડાલમાં ઘણી નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રાય સહિતના અનેક નેતા આ મામલામાં આરોપી છે.
તૃણુમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઝઘડો ક્યારથી શરૂ થયો, તે કહેવું તો મુશ્કેલ છે. પરંતુ, આ ઝઘડાએ ગત વર્ષની લોકસભા ચૂંટણી પછી ઘણી ગતિ પકડી છે. વર્ષ 2014માં માત્ર બે જ સીટ જીતનારી ભાજપે જ્યારે રાજ્યની 42માંથી 18 સીટ મળી તો તે ડાબેરીઓ અને કોંગ્રેસને પછાડતા મુખ્ય વિપક્ષ તરીકે સામે આવ્યું. આ દરમિયાન તૃણુમૂલ કોંગ્રેસના અનેક નેતા પણ ભગવા બ્રિગેડમાં સામેલ થઈ ગયા છે. તે ઝાટકા બાદ તૃણુમૂલ કોંગ્રેસની સામે સામ-દામ-દંડ-ભેદનો સહારો લેતા ખાસકરીને તે વિસ્તારમાં બીજી વખત મજબૂત થવાના પ્રયાસો તેજ કર્યા છે, જ્યાં ભાજપને સફળતા મળી હતી. વર્ચસ્વની આ લડાઈમાં સંઘર્ષ થવો યોગ્ય છે. જેને કારણે જ રાજ્યમાં સતત હિંસાના સમાચાર સામે આવી રહ્યાં છે.
બંગાળમાં કાયદા અને વ્યવસ્થામાં કથિત ઘટાડો અને વધતા ગુનાકિય મામલાઓના વિરોધમાં ગત સપ્તાહે ભાજપના અભિયાન (રાજ્ય સચિવાલય) દરમિયાન જોરદાર હોબાળો થયો. આ અભિયાનને રોકવા માટે સચિવાલય જતા દરેક રસ્તાઓ બંધ કરીને ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, તેમ છતાં હજારોની સંખ્યામાં ત્યાં પહોંચનાર સમર્થકો અને કાર્યકર્તાઓની પોલીસવાળાઓ સાથે અનેક જગ્યાએ હિંસક અથડામણ થઈ. આ દરમિયાન, પોલીસે ભીડને વિખરેવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા. અનેક જગ્યાએ સુરક્ષાદળોએ વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો. આ દરમિયાન ડઝન લોકો ઘાયલ પણ થઈ ગયા હતા.
પાર્ટીની નજર આગામી વર્ષે થનારી ચૂંટણીમાં જીત મેળવીને સત્તા કબજે કરવાની છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાથી લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુધી પોતાની રેલીઓમાં આ દાવો કરી ચુક્યા છે. કથિત હત્યાઓના એવા તમામ કેસમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ નિશાના પર છે અને તૃણુમૂલ કોંગ્રેસ આરોપઘરમાં છે. રાજ્યપાલ જગદીપ ધનખડ પણ આ ઘટનાઓ માટે રાજ્ય પ્રશાસન અને પોલીસ માથે આક્ષેપો કરતા જોવા મળે છે.
આ માત્ર સંજોગ નથી કે હાલના મહિનામાં ભાજપના જે અડધા ડઝન નેતાઓના મોત થયા તેમાંથી મોટાભાગના મૃતદેહ રહસ્યમય પરિસ્થિતિઓમાંથી ઝાડ કે થાંભલા સાથે લટકાત જોવા મળ્યા હતા. ગત 28 જુલાઈએ પૂર્વ મેદિનીપુર જિલ્લાના હલ્દિયામાં ભાજપના એક બૂથ અધ્યક્ષનો મૃતદેહ પણ આ સ્થિતિમાં મળી આવ્યો હતો. આ પહેલાં ભાજપના નેતા અને ઉત્તર દિનાજપુર જિલ્લાના હેમતાબાદના ધારાસભ્ય દેબેન્દ્રનાથ રાયનો મૃતદેહ પણ ઘરથી થોડે દૂર થાંભલા સાથે લટકતો મળ્યો હતો.
મેદિનીપુર વિસ્તારમાં આવી ઓછામાં ઓછી ચાર ઘટનાઓ ઘટી છે. ભાજપ આ તમામ હત્યાઓ માટે તૃણુમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવે છે જ્યારે તૃણુમૂલ કોંગ્રેસ ભાજપની અંદરોઅંદરની જૂથબાજીને જવાબદાર માને છે.
રાજકીય પર્યવેક્ષકોનું કહેવું છે કે સામાન્ય રીતે, આ રણનીતિથી આગામી વર્ષે થનારી ચૂંટણી માટે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. રાજનીતિ વિજ્ઞાનના પ્રોફેસર ડૉ. દિનેશ કુમાર ગોસ્વામી કહે છે કે, “વર્ષ 2018ની પંચાયતી ચૂંટણીથી પહેલાં રાજ્યમાં જે રીતે હિંસા તેમજ હત્યાઓનો સિલસિલો શરૂ થયો હતો, હવે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણીથી પહેલાં પણ ‘જેની લાઠી તેની ભેંસ’ ની વાત પર આ સિલસિલાને વધુ ગતિ મળશે તેવી શક્યતા છે.”