દેશમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આ વર્ષે સરકારે નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાની સૂચના આપી હતી. પરંતુ તેમ છતાં સરકારના જ એક સાંસદની હાજરીમાં ગરબા યોજવામાં આવ્યા. ખુદ સાંસદે જ સરકારના આદેશનો ભંગ કરતો વીડિયો વાયરલ થયો. પરંતુ સાંસદે આ અંગે કોઈપણ પ્રકારનો રદિયો આપવાનો ઈન્કાર કીર દીધો. ત્યારે જાણો કોણ છે એ સાંસદ અને કેવી રીતે કર્યો સરકારની કોવિડ ગાઈડલાઈનનો ભંગ…
- ભાજપના સાંસદે નિયમોના ધજાગરા ઉડાવ્યા
- દિપસિંહ રાઠોડે કર્યો નિયમોનો ભંગ
- જાહેરમાં ગરબા યોજી લોકોને કર્યા ભેગા
નવરાત્રીમાં સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સાબરકાંઠામાં એક સ્થળે થયેલા ગરબા આયોજનનો વીડિયો વાયરલ થયો છે. સાંસદ દીપસિંહ રાઠોડે ભાગપુર ગામમાં જ કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સાંસદ દીપસિંહ રાઠોડે સોશિયલ મીડિયા પર જાહેર ગરબાનો એક વીડિયો શેર કર્યો છે. સાંસદે દશેરાની રાત્રે ફેસબુક લાઇવ કરી આ વીડિયો શેર કરાયો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે સાંસદની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ 19ની ગાઇડલાઇનનો જાહેરમાં ભંગ થયો છે. તો બીજી તરફ 200થી વધુ લોકો પણ અહીં એકઠા થયા હતા.
આ ગરબા આયોજન કદાચ એટલા માટે બંધ નહીં રાખવામાં આવ્યુ હોય કે તેમાં ખુદ સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડની હાજરી હતી. જે સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા ગરબાના આયોજનો પર પ્રતિબંધ ફરમાવ્યો તે જ સરકારના સાંસદ દીપસિંહ રાઠોડની હાજરીમાં સરકારના આદેશનો ભંગ થયો અને સાંસદ દીપસિંહ રાઠોડ એ કાર્યક્રમનું મહેમાનપદ શોભાવતા રહ્યા. આને બેદરકારી કહેવી કે સરાજાહેર અનાદર? આ અંગે સાંસદનો અભિપ્રાય જાણવાનો પ્રયત્ન કર્યો તો સાહેબે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહીં.
(Source: www.vtvgujarati.com/news-details/navratri-garba-bhagpur-sabarkantha-mp-dipsinh-rathod-video-viral)