- 27 સપ્ટેમ્બર,2020ના રોજ 18 વર્ષના દીકરાનું હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું
- ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ દિવંગત મદનલાલ સૈનીના ભત્રીજા હતા
ચાર મહિના અગાઉ 27 સપ્ટેમ્બર,2020ના રોજ હૃદયરોગના હુમલાથી 18 વર્ષના એકના એક દીકરાનું મૃત્યુ થઈ ગયુ હતું. દીકરાને ગુમાવવાના દુઃખને લીધે સમગ્ર પરિવાર હતાશામાં ગરકાવ થઈ ગયો. રવિવારે પતિ-પત્નીએ તેમની બે દીકરી સાથે ફાંસી લગાવી દીધી. ઘરના એક રૂમમાંથી સુસાઈડ નોટ મળી છે, જેમાં લખ્યું છે- અમે દીકરા અમર વગર જીવી શકીએ તેમ નથી. અમે પણ દુનિયા છોડીને જઈ રહ્યા છીએ. દીકરા વગર આ દુનિયા નકામી છે. પોલીસ કોઈને પરેશાન ન કરે. આ ઘટના સીકરના પુરોહિત જી પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
ભાજપના ભૂતપુર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ દિવંગત મદનલાલ સૈનીના ભત્રીજા હનુમાન પ્રસાદ સૈનીએ પરિવાર સાથે ફાંસી લગાવી લીધી. હનુમાન (48), તેમની પત્ની તારા (45) અને બે દીકરી પૂજા (24) અને ચીકુ (22) સાથે ઘરના એક રૂમમાં જ ફાંસી લગાવી લીધી. તેઓ સરકારી શાળામાં કર્મચારી હતા. પત્ની ગૃહિણી હતી. મોટી દીકરી પૂજા એમએસસી ફર્સ્ટ યર અને ચીકુ બીએસસી સેકન્ડ યરમાં અભ્યાસ કરતી હતી.
પડોશીઓએ કહ્યું હતું કે દીકરાના મૃત્યુ બાદ પરિવાર તણાવમાં હતો. ફક્ત હનુમાન જ નોકરી માટે ઘરની બહાર નીકળતો હતો. આ ઉપરાંત તેમની પત્ની અને બન્ને દીકરી ઘરની અંદર જ રહેતાં હતાં. તેઓ બહાર નીકળતાં ન હતાં.

સાંજના સમયે જ્યારે દૂધવાળો આવ્યો ત્યારે પરિવારને સામૂહિક આત્મહત્યા કર્યાની જાણ થઈ.
આ રીતે સુસાઈડ અંગે જાણ થઈ
રવિવારે સાંજે હનુમાન દરરોજની માફક ઘરે દૂધવાળો દૂધ આપવા આવ્યો હતો. ઘણા સમય સુધી દરવાજો ખટખટાવ્યો. પણ કોઈ જવાબ મળ્યો નહીં. ત્યાર બાદ પરિવારના લોકોને મોબાઈલ પર કોલ કર્યો. કોઈએ ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ દૂધવાળાએ હનુમાનના નાના ભાઈ ઘનશ્યામના દીકરા યુવરાજને ફોન કર્યો, જે અમરના મૃત્યુ બાદ હનુમાન સાથે જ રહેતો હતો. યુવરાજે તેના પિતા તેમ જ હનુમાનના મોબાઈલ પર ફોન કર્યો.
ઘટનાસ્થળ પર પહેલા હનુમાનના કાકાનો છોકરો કપિલ સૈની આવ્યો. તેણે મુખ્ય દરવાજો ખોલી અંદર લાકડાના દરવાજાને ધક્કો માર્યો તો તે ખુલી ગયો. રૂમમાં જોયુ તો કપિલના હોશ ઊડી ગયા. હનુમાન સહિત પરિવારના ચારેય સભ્ય ફાંસી પર લટકતા હતા. કપિલે તાત્કાલિક ઘનશ્યામને ફોન કર્યો. પોલીસને જાણ કરી. પરિવારના અન્ય સભ્યો પણ આવી પહોંચ્યા.
આ ઘટના સ્થળ પરથી 2 પેજની સુસાઈડ નોટ મળી આવી છે,જેમાં પોતાના દીકરાનું 27 સપ્ટેમ્બર,2020ના રોજ થયેલા મૃત્યુનો આઘાત સહન નહીં થવાથી સમગ્ર પરિવારે આ આકરું પગલું ભર્યાંની તેમ જ પોલીસે આ માટે કોઈને જવાબદાર નહીં ઠરાવી કોઈને પરેશાન નહીં કરવા કહ્યું હતું.
જે લોખંડના ગેઝ પર લટકી આત્મહત્યા કરી એ 4 દિવસ અગાઉ જ લગાવ્યો હતો
પડોશીઓએ કહ્યું હતું કે લોખંડના જે ગેઝથી ચારેય મૃતદેહ લટકતા મળી આવ્યા તે રૂમમાં અગાઉ ન હતા. તેને 4 દિવસ અગાઉ જ મિસ્ત્રીને બોલાવી લગાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં જે દોરડાથી મૃતદેહ લટકતો હતો તે એક જ દોરડાના ટૂકડા હતા અને તે નવું દોરડુ હતું. આ સંજોગોમાં એવી આશંકા છે કે પરિવાર ઘણા દિવસો અગાઉ સામૂહિક રીતે આત્મહત્યા કરવાની યોજના ધરાવતો હતો. દિકરાના મૃત્યુ બાદ હનુમાન અવાર-નવાર નાના ભાઈ સુરેશ અને ઘનશ્યામને કહેતો હતો કે હવે હું નહીં જીવું.

પલંગ પરથી પરિવારે ફાંસી લગાવી અને બાદમાં પલંગને પાડી દીધો.
પલંગ પર ચડી ફાંસો લગાવ્યો, બાદમાં પલંગને પગથી પાડી દીધો
ઘટનાસ્થળ પર પોલીસે જણાવ્યું કે ચારેય એક પલંગ પર ચડી ગયા અને ફાંસી લગાવી દીધી. ત્યાર બાદ પલંગને પગ વડે પાડી દીધો. કારણ કે જ્યાં મૃતદેહ લટકતા હતા ત્યાં નીચે પલંગ પડી ગયેલી સ્થિતિમાં હતો. તપાસમાં એવું પણ માલૂમ પડ્યું છે કે હનુમાન અને તેની પત્ની તારાએ સવારે ભોજન કર્યાં બાદ સુસાઈડ નોંધ લખી.
ત્યારબાદ નાના ભાઈ સાથે ફોન પર વાત કરી અને બાદમાં બપોરના સમયે આત્મહત્યા કરી લીધી. જીવ આપતા પહેલા પરિવારે રૂમમાં દીકરા અમરના ફોટોની સામે તેનું કડું અને જન્મ સમયના વાળ રાખી દીધા હતા.

પરિવારે સુસાઈડ અગાઉ દીકરા અમરના ફોટા આગળ તેનું કડું અને બાળપણના વાળ રાખ્યાં.
16 ફેબ્રુઆરીના રોજ ભત્રીજીના લગ્નમાં ગયા ન હતા
હનુમાન પ્રસાદની બહેન મંજુનું સાસરું નવલગઢમાં છે. મંજૂની બન્ને દીકરીના લગ્ન 16 ફેબ્રુઆરીના રોજ થયા હતા. હનુમાન અને તેમનો પરિવાર લગ્નમાં ગયો ન હતો, જોકે હનુમાને બન્ને નાના ભાઈ ઘનશ્યામ અને સુરેશ તથા પિતા રામગોપાલ સૈનીને બહેન મંજુને ત્યાં યોજાનારા પ્રસંગમાં જવા અને મામેરું ભરવા માટે કહ્યું હતું. દીકરાના મૃત્યુ બાદ હનુમાન અને પરિવાર બહાર ક્યાંય જતા ન હતા.