- દેશભરના બીએપીએસનાં 1200 મંદિરમાં સભાઓ રદ કરાઈ
- સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ઓસ્ટ્રેલિયાના પર્થમાં નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મોકૂફ
અમદાવાદ: કોરોના વાઇરસને પગલે વિદેશના 491 મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યાં છે. મંદિરોમાં આરતી સિવાયના તમામ કાર્યક્રમ રદ કરી દેવાયા છે. આ પાકિસ્તાન સ્થિત શીખ ધર્મસ્થળ કરતારપુર કોરિડોર અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત શિરડી સંસ્થાને પણ ભક્તોને શિરડી નહીં આવવા અપીલ કરી છે. રોગચાળો કાબૂમાં લેવા મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે. દેશભરના બીએપીએસનાં 1200 મંદિરમાં સભાઓ રદ કરાઈ છે, પરંતુ દર્શન-અભિષેક રાબેતા મુજબ ચાલુ છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને ઓસ્ટ્રેલિયાના પર્થમાં નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મોકૂફ રાખ્યો છે. આ સાથે મણિનગરના કુમકુમ સ્વામિનારાયણ મંદિરના લંડનના સ્ટેનમોર વિસ્તારમાં આવેલા મંદિરની શનિવાર અને રવિવારની સત્સંગ સભા પણ બંધ રખાઈ છે. બીએપીએસે 70 વર્ષથી વધુ વયના તાવ, શરદી, ખાંસી, ફ્લૂનાં ચિહ્નો ધરાવતા હોય તેમને મંદિરે દર્શન માટે ન આવવા વિનંતી કરી છે.
ઉપરાંત તપોધન યુવા બ્રહ્મસમાજના પ્રમુખ પાર્થ રાવલે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ ફેલાવવાની ભીતિને પગલે તપોધન સમાજનું સ્નેહમિલન મોકૂફ કરાયું છે. સ્નેહમિલનની તારીખ 3 મહિના બાદ જાહેર કરાશે. આ સ્નેહમિલનમાં આશરે 10 હજારથી વધુ લોકો એકત્રિત થવાના હતા.
કયા કયા મંદિરો બંધ રહેશે?
- બીએપીએસ મંદિર- 250
- કાલુપુર સ્વામિનારાયણ મંદિર- 75
- ઇસ્કોન મંદિર – 120
- વડતાલ સંપ્રદાય -15
- ગાદી સંસ્થાન મંદિર- 30
- કુમકુમ મંદિર – 1
મુંબઈમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં કઝાકિસ્તાનથી પરત ફરેલી 59 વર્ષીય મહિલા કોરોના વાઈરસ સંક્રમિત માલૂમ પડી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 32એ પહોંચી ગઈ છે. આ રોગચાળો કાબૂમાં લેવા મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે, જેથી સામૂહિક યાત્રાઓ, કાર્યક્રમોના આયોજન બંધ થાય. આ ઉપરાંત બોલિવૂડમાં પણ ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને વેબ સીરિઝ સહિતના તમામ શૂટિંગ 31 માર્ચ સુધી બંધ કરાયા છે.