- વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દિલસોજી પાઠવી, રૂપાણી અને બીજલ પટેલ સાથે વાત કરી
- ઈજાગ્રસ્તો-દાઝેલાને રૂપિયા 50 હજારની સહાય, આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા
- વડાપ્રધાન મોદીએ ઘટનાને લઈને સાત્વના પાઠવી પરંતુ અમદાવાદના મેયર બીજલબેન પટેલ મીડિયાના સવાલોથી ભાગ્યા
અમદાવાદ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની હોનારતની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીની કમિટિ રચી છે. આમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.
મૃતકોના પરિવારને મુખ્યમંત્રી દ્વારા 2-2 લાખની સહાય
આ ઘટનામાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારને રૂપિયા 2-2 લાખની સહાયની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ અંગ્નિકાંડમાં દાઝેલા તથા ઘવાયેલા માટે પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તમામ ઘવાયેલા તથા દાઝેલાને યોગ્ય તેમજ વ્યવસ્થિત સારવાર મળે તે માટે પણ પુરતી તકેદારી રાખવા માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દિલસોજી પાઠવી
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા કોરોના દર્દીઓના પરિવારોને સાંત્વના આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે. તેમણે એવી પણ પ્રાર્થના કરી છે કે આ અગ્નિકાંડમાં દાઝેલા તથા ઘાયલ થયેલા ઝડપથી સાજા થઈ જાય. આ અંગે તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી હતી. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, વહીવટીતંત્ર તરફથી તમામ સહાયની કામગીરી અદા કરવામાં આવી રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું
અમદાવાદની એક હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ધટના ખૂબ જ દુ:ખદ છે. દુ:ખદની આ પળોમાં મારી સંવેદનાઓ ભોગ બનાર પરિવારોની સાથે છે. આ ઘટનામાં ઈજા પામેલા લોકોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરું છું.
મેયર બીજલબેન પટેલ મીડિયાના સવાલોના જવાબથી ભાગ્યા
અમદાવાદના મેયર બીજલબેન પટેલ ઘટના સંદર્ભે મીડિયાએ કરેલા સવાલોના જવાબ આપવાથી ઈન્કાર કર્યો હતો. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના સંદર્ભે સાત્વના પાઠવી છે. તેમણે આ અંગે ટ્વિટર પર ટ્વિટ પણ કર્યું છે.