રાજ્યભરમાં કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ બેફામ બન્યા છે અને કાર્યક્રમો યોજીને કોરોના સંક્રમણ વધારવાનું કામ કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ભાજપના કાઉન્સિલર મનીષ પગારે જન્મદિવસે કરેલા તાયફામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. અનાજની કીટ લેવા માટે ગરીબ મહિલાઓ ઉમટી પડી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. આ કાર્યક્રમમાં અકોટા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલે પણ હાજર રહ્યા હતા. આ મામલે સીમા મોહિલેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.
સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસી-તૈસી કરી
વડોદરા શહેરના વોર્ડ નં-12ના કાઉન્સિલરનો આજે જન્મદિવસ હોવાથી ગરીબ લોકોને અનાજની કીટના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાઉન્સિલર મનીષ પગારે પોતાના જન્મદિને ખાનગી કંપનીએ આપેલુ અનાજ વહેંચ્યું હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસી-તૈસી કરી નાખી હતી. એક જ સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડતા કોઇ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહોતું. અકોટા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલે આ કાર્યક્રમમાં હાજર હતા. તેમ છતાં ધારાસભ્ય સહિતના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવ્યું નહોતું અને લોકોને શીખ આપતા ભાજપનાં નેતાઓએ જ ન કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો.

કોરોના સંક્રમણ ફેલાવવાનો ભય
ભાજપના કાઉન્સિલરના જન્મદિવસના તાયફામાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી અને મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ પણ હાજર હતા. જેને કારણે કોરોનાના સંક્રમણ ફેલાવવાનોનો ભય ઉભો થયો છે.

આ પહેલા ભાજપના કાર્યક્રમમાં નેતાઓ સંક્રમિત થયા છે
આ પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રેલીમાં ભેગા થયેલા ભાજપના નેતાઓ સંક્રમિત થઇ ચૂક્યા છે, ત્યારે ભાજપ તેમાંથી બોધપાઠ લેવાને બદલે કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.
