વડાપ્રધાન મોદી કોરોનાવાઈરસના ખતરા અને બચાવને લઈને આજે રાતે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશેતેલંગણામાં બુધવારે સૌથી વધુ 8, રાજસ્થાન અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ મામલાઓ પ્રકાશમાં આવ્યાસફદરજંગ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીએ આત્મહત્યા કરી, ઓસ્ટ્રેલિયાના સિડનીથી પરત ફર્યો હતો
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ સંક્રમિતોની સંખ્યા 172 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પાંચ અને ચંદીગઢમાં એક નવો કેસ પ્રકાશમાં આવ્યો છે. ચંદીગઢમાં 23 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે તાજેતરમાં જ બ્રિટનથી પરત ફરી છે. રેલવેએ મુસાફરોમાં થયેલા ઘટાડાને જોતા 20 માર્ચથી 31 સુધી 168 ટ્રેનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. સાવચેતીના પગલારૂપે જમ્મુના રઘુનાથ મંદિર અને દિલ્હીના ઈસ્કોન મંદિરમાં પણ દર્શન બંધ કરવામાં આવ્યા છે. ઉતરાખંડના હરિદ્વારમાં જિલ્લા એડમિનિસ્ટ્રેશને 31 માર્ચ સુધી ગંગા આરતીમાં આમ લોકોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે આ દરમિયાન નિયમિત રૂપથી આરતી થતી રહેશે. બીજી તરફ ચેન્નાઈ એરપોર્ટથી ઉડાન ભરતી 50 ઈન્ટરનેશનલ અને 34 ડોમેસ્ટિક ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે.
બુધવારે દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ 28 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં ત્રણ-ત્રણ, દિલ્હી અને ઉતર પ્રદેશમાં બે-બે, મહારાષ્ટ્ર, હરિયાણા, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં એક-એક મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સંકટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાતે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે.
અપેડ્ટ્સ…
- દિલ્હીમાં ઈસ્કોન મંદિર ગુરુવારથી 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યું છે.
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વિદેશથી આવનાર દરેક વ્યક્તિનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે ભલે એ પછી વીવીઆઈપી હોય.
- સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેએ બુધવારે જેસલમેર સ્થિત ક્વારેન્ટાઈન સેન્ટરનું નિરીક્ષણ કર્યું. અહીં વિદેશથી લાવવામાં આવેલા ભારતીયોને રાખવામાં આવ્યા છે.
- તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરે કોરોનાવાઈરસથી બચવા માટે ગુરુવારે ઉચ્ચસ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે લોકોને ઉત્સવો અને ભીડ વાળી જગ્યો પર ન જવાનો અનુરોધ કર્યો છે.
દિલ્હીમાં દર્દીનો આપઘાત
દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીએ સાતમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. પંજાબના 35 વર્ષીય ચરણજીત સિંહ નામના આ દર્દીને બુધવારે સવારે નવ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે 2019થી ઓસ્ટ્રેલિયામાં હતો. સિડનીથી ભારત પરત ફર્યા પછી દિલ્હી એરપોર્ટ પર તેણે માથામાં સખત દુ:ખાવાની ફરિયાદ કરી હતી.
CBSEની ધો.10-12, JEE-મેઇન્સની સહિત દેશની તમામ યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત
કોરોનાના વધી રહેલા કહેરને કારણે કેન્દ્ર સરકારે સીબીએસઈની ધો.10 અને ધો.12ની પરીક્ષા 31 માર્ચ સુધી સ્થગિત કરી છે. આ સાથે જ જેઈઈ મેઇન્સ અને દેશભરની તમામ યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. રિલાયન્સે દેશ-વિદેશના તેના તમામ 1.94 લાખ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે. જો કે ટેલિકોમ, હોસ્પિટલ અને કરિયાણા સ્ટોર જેવી જરૂરી સેવા માટે રોટેશનના આધારે 10 ટકા કર્મચારી કામ પર જશે. મહારાષ્ટ્ર સરકારે 50 ટકા સરકારી કર્મચારીઓને ઘરે રહેવા જણાવ્યું છે. અડધા કર્મચારી એક દિવસ ઓફિસે જશે. બાકીના કર્મચારી બીજા દિવસે ઓફિસે જશે. ઉત્તરાખંડ સરકારે તેની તમામ ઓફિસ 19થી 24 માર્ચ સુધી બંધ કરી દીધી છે.
ઈરાનથી 195, કુઆલાલુમ્પુરથી 185 ભારતીયોને લાવવામાં આવ્યા
ભારત સરકારે બુધવારે ઈરાનથી 195 અને કુઆલાલુમ્પુરથી 185 ભારતીયોને બહાર કાઢ્યા હતા. દરેકને આઇસોલેશન સેન્ટર મોકલી દેવામાં આવ્યા છે. રક્ષા પ્રવક્તા સોમ્બિત ઘોષે કહ્યું- સેનાનું વિશેષ વિમાન ઈરાનથી દરેક લોકોને લઇને રાજસ્થાનના જેસલમેર એરપોર્ટ લાવવામાં આવ્યું હતું. સ્ક્રિનીંગ બાદ તેમને આર્મીના આઇસોલેશન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા 16 માર્ચના 289 ભારતીય નાગરિકોને લાવવામા આવ્યા હતા. આન્ધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિદેશક એમ રાજકિશોરે કહ્યું- કુઆલાલુમ્પુરથી વિદ્યાર્થીઓને એર એશિયાના પ્લેનથી વિશાખાપટ્ટનમ એરપોર્ટ લાવવામાં આવ્યા છે. તેમને આગામી 28 દિવસો માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કેન્દ્રએ CBSE સહિત અન્ય પરીક્ષાઓ 31 માર્ચ સુધી ટાળવા માટે કહ્યું
પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકારે CBSEને તેના દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓને 31 માર્ચ સુધી ટાળવા માટે કહ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સેક્રેટરી અમિત ખરેે કહ્યું કે JEEની મુખ્ય પરીક્ષાઓની તારીખ 31 માર્ચે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જાહેર કરવામાં આવશે.
100 ટ્રેન રદ કરવામાં આવી
ભારતીય રેલવેએ સાવચેતીના પગલા રૂપે 100થી વધુ ટ્રેનોને રદ કરી છે. પશ્ચિમ-મધ્ય રેલવે અને ઉતર રેલવેએ 11-11 ટ્રેન રદ કરી છે. અધિકારીઓએ મંગળવારે ઝોનલ રેલવે કેટરિંગ સ્ટાફ માટે નિર્દેશ આપ્યા કે શરદી, ખાંસી, તાવથી પીડિત કોઈ પણ કર્મચારીને ખાવા-પીવાની જવાબદારી ન સોંપવામાં આવે.