ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રને રથમાં બેસાડવામાં આવ્યાં હતાં

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલા આવતીકાલે માત્ર મહંત અને ટ્રસ્ટીઓની હાજરીમાં જ રથપૂજન થશે

Ahmedabad Gujarat
  • રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ત્રણેય રથનું પરંપરાગત પૂજન કરવામાં આવે છે
  • 24 જૂને નીકળનારી જળયાત્રા મામલે કોરોનાની પરિસ્થિતિને લઈ નિર્ણય લેવાશે : ટ્રસ્ટી મહેન્દ્ર ઝા

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલા આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ભક્તોની વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવશે. 24મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી તે મામલે હજી નિર્ણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે ભક્તોમાં અસમંજસ છે.

જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી
જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે મહંત દિલીપદાસજી અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં જ રથનું પૂજન કરવામાં આવશે. અન્ય કોઈ વ્યક્તિઓની હાજરી રહેશે નહીં. 24મી જુનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. જૂન મહિનામાં કેવી પરિસ્થિતિ છે તેને જોઈ અને નિર્ણય લેવામાં આવશે. શુક્રવારે સવારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવશે.

જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી
જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી

ગત વર્ષે રથ મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો
ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાના કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે સરકાર અને મંદિર વચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ આ મામલે સુનાવણી યોજાઈ હતી. બાદમાં છેવટે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને પહિંદવિધિ કરી અને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યારબાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા હતા.

ગત વર્ષે મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં
મહામારી કોરોનાને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોનાને કારણે આ સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ભક્તોએ ઘરે બેઠા જ ભગવાનના દર્શન કર્યાં હતા.

રથયાત્રા માટે 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં હતા
રથયાત્રા માટે 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં હતા

ગત વર્ષે રથયાત્રામાં 14 હાથી અને દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી હતી
ગત વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા હતા. રથયાત્રા માટે 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં હતા. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી મળી હતી. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું
ગત વર્ષે જગન્નાથ મંદિર પાસે ભક્તોનું કીડીયારું ઉભરાતું હતું. આ વખતે માત્ર પોલીસ જ પોલીસ જોવા મળી રહી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલિ રૂપાણી સાથે મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ પોલીસે રથને કોર્ડન કરી લીધો હતો. હાલ રથને રોકી લીધા બાદ મહંત અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ અને પોલીસવડા શિવાનંદ ઝાએ ઓફિસમાં ચર્ચા કરી હતી. રથને મંદિરના ગેટ સુધી લઈ જઈ પરત લાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ રથને મંદિરના ગેટ સુધી નહિ લાવવા દેવાના મૂડમાં હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરેથી 7.10 રવાના થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *