ઈરાને સ્વીકાર્યું- સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર વિમાન પર મિસાઈલ છોડી, પહેલાં કર્યો હતો ઈન્કાર

World
  • યુક્રેન એરલાઈન્સનું બોઈંગ 737-800 યુક્રેનના પેસેન્જર વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની 3 મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું
  • આ પ્લેન ક્રેશમાં 176 લોકોના મોત થયા હતા, યુક્રેને કહ્યું હતું- ઘટના પાછળ કોઈ ટેક્નિકલ ખામી જવાબદાર નથી
  • અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઓફિસર્સ વચ્ચે ચર્ચામાં પણ ઈરાનની ભૂલના કારણે વિમાન ક્રેશ થયું હોવાની વાત સામે આવી હતી

તેહરાન: ઈરાને શનિવારે જાહેરાત કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલ છોડી છે. સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ ગણાવવામાં આવી છે. આ પહેલાં ઈરાને ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ છોડી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. જોકે શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને ખાનગી સૂત્રોથી દાવો કર્યો હતો કે, વિમાન ઈરાનની મિસાઈલ અથડાવાના કારણે દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બંને નેતાઓને આ દાવો કરતાં પુરાવા આપવા કહ્યું હતું, પરંતુ શનિવારે સવારે ઈરાની સરકારે ભૂલ સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં 176 લોકોના મોત થયા હતા.

ટ્રુડો અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના દાવા પછી સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો પણ વાયરલ થયો હતો. તેમાં યુક્રેનના વિમાનને મિસાઈલથી અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયેલું પણ જોવા મળ્યું હતું. વિમાન બોઈંગ 737-800 ઉડાન ભર્યાના 3 મિનિટ પછી જ ઈમામ ખોમેની એરપોર્ટથી થોડે દૂર તેનો કાટમાળ જોવા મલ્યો હતો. મૃતકોમાં 63 કેનેડાના નાગરિકો અને તે સિવાય 82 ઈરાની, 11 યુક્રેનના, 10 સ્વિડિશ અને જર્મની-બ્રિટનના 3-3 નાગરિકોના મોત થયા છે.

અમેરિકાએ કહ્યું- રશિયામાં બનેલી બે મિસાઈલ અથડાવાથી વિમાન પડ્યું
આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઓફિસર્સ સાથે બેઠકમાં શંકા વ્યક્ત કરી હતી કે યુક્રેનનું બોઈંગ-737 ઈરાની મિસાઈલ સાથે અથડાવાના કારણે પડ્યું છે. બેઠકમાં અધિકારીઓએ કહ્યું છે કે, ઈરાને ભૂલથી પેસેન્જર વિમાન પર રશિયામાં બનેલી મિસાઈલથી હુમલો કર્યો છે.

વિમાનને મિસાઈલ અથડાયું હોવાની વાત ખોટી
અમેરિકા, કેનેડા અને બ્રિટનના આ દાવાને પહેલાં ઈરાને નકારી દીધો હતો. રાષ્ટ્રપતિ રુહાનીની સરકારે કહ્યું હતું કે વિમાનને મિસાઈલ અથડાવાની વાત ખોટી છે. કારણકે તે સમયે ઘણાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય વિમાને ત્યાંથી ઉડાન ભરી હતી. ઈરાનનો આરોપ હતો કે આ રિપોર્ટ્સ તેમના વિરુદ્ધ મીડિયામાં મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કરવા માટે ફેલાવવામાં આવી રહી છે.

યુક્રેને કહ્યું હતું- ઘટના ટેક્નિકલ ખરાબીના કારણે નથી થઈ
યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (યુએઆઈ) દુર્ઘટના પછી તુરંત તેમાં ટેક્નિકલ ખામી હોવાની વાતનો ઈન્કાર કર્યો હતો. પાયલટ પાસે કોઈ પણ ઈમરજન્સીને પહોંચી વળવા માટેની આવડત હતી. અમારો રેકોર્ડ જણાવે છે કે, વિમાન 2400 ફૂટની ઉંચાઈ પર જ હતું. ક્રૂના અનુભવ પ્રમાણે ટેક્નિકલ ખામી નહિવત્ હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *