- નાગરિકતા સંશોધન એક્ટ મામલે સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શન
- સુપ્રીમ કોર્ટમાં આજે જામિયા હિંસા પર સુનાવણી કરાશે
- દેશની 22 મોટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act) વિરુદ્ધ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષી પાર્ટીઓ પણ આ કાયદાનો વિરોધ કરી રહી છે. આ કાયદાના વિરોધમાં દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં જે હિંસા થઈ અને પોલીસ કાર્યવાહી થઈ તેના વિરોધમાં દેશની ઘણી મોટી યુનિવર્સિટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. દેશમાં કુલ 22 મોટી યુનિવર્સિટી છે જ્યાં આ પ્રમાણેના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જામિયા હિંસા વિશે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થવાની શક્યતા છે. આ ઉપરાંત આજે પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે જે લોકો જામિયા હિંસામાં સંકળાયેલા હતા.
આસામમાં પ્રશાસને ઉપદ્રવ રોકવા માટે કર્ફ્યૂ લગાવ્યો હતો. જોકે તેમાં નાગરિકોને નિયમિત છૂટ આપવામાં આવી રહી છે. મંગળવારે કર્ફ્યૂમાં સવારે 6થી સાંજે 8 (14 કલાક) સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે.
યુપીમાં ઉપદ્રવ રોકવા માટે યોગીએ પોલીસ ઓફિસર્સ સાથે વાત કરી
- ઉત્તર પ્રદેશમાં ઉપદ્રવીઓને રોકવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોડી રાતે વીડિયો કોન્ફરન્સ કરીને પોલીસ ઓફિસર્સ સાથે ચર્ચા કરી હતી. યોગીએ વિરોધ પ્રદર્શનકારીઓ સામે કડક પગલા લેવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશની બે યુનિવર્સિટીમાં ધરણાં પ્રદર્શન થયા પછી પાંચ જિલ્લા- સહારનપુર, મેરઠ, અલીગઢ, મઉ અને કાસગંજમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
- મઉમાં સોમવારે રાત્રે ઉપદ્રવીઓએ દક્ષિણટોલા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરીને 15 વાહનોને આગ ચાંપી હતી. પોલીસે ભીડને છૂટી પાડવા ટીયર ગેસ છોડવા પડ્યા હતા. આઝમગઢની શિબલી કોલેજના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સપા, રાષ્ટ્રીય ઉલેમા પરિષદ અને બસપાના સમર્થનવાળા વિદ્યાર્થીઓએ મોડી રાત્રે ભાજપ અને આરએસએસના વિરોધમાં નારેબાજી કરી હતી.
જામિયાના સમર્થનમાં દેશની લૉ સ્કૂલ
નેશનલ લૉ સ્કૂલ સાથે જોડાયેલા ઘણાં સંગઠનોએ નાગરિકતા સંશોધન એક્ટનો વિરોધ કર્યો છે. દરેક વિદ્યાર્થીઓએ જામિયા, AMUમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરી છે.
કૈરાનામાં મદરેસાના વિદ્યાર્થીઓને શાંતિ રાખવાની અપીલ કરાઈ
અલાહાબાદ, બરેલી અને રામપુરમાં પણ સંવેદનશીલ વાતાવરણ છે. ઉત્તર પ્રદેશના શામલી પાસે કૈરાનામાં એસપી વિનીત જયસવાલે મદરેસાઓની મુલાકાત લીધી હતી અને અહીં વિદ્યાર્થીઓને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે. મુઝફ્ફરનગરમાં કલેક્ટર અને એસપીએ ફ્લેગ માર્ચ કાઢી હતી.
કેરળ- 30 ઈસ્લામિક-રાજકીય પક્ષોએ બંધ રાખ્યો, બસો પર પથ્થરમારો
કેરળના તિરુવનંતપુરમમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મંગળવારે 30 ઈસ્લામિક-રાજકીય પક્ષોએ સવારથી સાંજ સુધી બંધની જાહેરાત કરી હતી. આ દરમિયાન સરકારી બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સિવાય પલક્કડ, વાયનાડ, કોઝિકોટ અને કોચ્ચીમાં પણ બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.