વડોદરા લવજેહાદ મામલો:ધર્મ પરિવર્તન કરનાર યુવતીનો પિતાને દિલાસો – પપ્પા તમે ખાઇ લો, હું ઘરે પાછી આવીશ

Gujarat Vadodara
  • લવજેહાદ હોબાળા બાદ સગાના ઘરે રહેતી યુવતીએ પિતાને ફોન કરી ખબર પૂછ્યા
  • મુસ્લિમ યુવક સાથે નિકાહની ઘટનાથી આઘાત પામેલા પિતાએ સપ્તાહથી કંઈ ખાધું નથી
  • યુવતીનો આત્મવિશ્વાસ વધ્યો હોવાનો તેના ભાઈએ સંકેત આપ્યો

નાગરવાડાની 23 વર્ષીય હિન્દુ યુવતીને વિધર્મી યુવક લગ્ન કરવા માટે મુંબઇ લઇ ગયા બાદ ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કર્યો હતો. જે મામલે હોબાળા બાદ 2 દિવસથી યુવતીને શહેર બહાર સંબંધીના ઘરે મોકલી દેવાઇ છે. જ્યાંથી યુવતીએ ફોન કરી પિતાના ખબર પૂછવા સાથે દિલાસો આપ્યો હતો કે પપ્પા તમે ખાઇ લો, હું ઘરે પાછી આવીશ. યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, તેની બહેનની મનોસ્થિતિ બદલાઇ રહી છે અને તેનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે.

યુવતીને હાલ સગાને ત્યાં રાખવામાં આવી
યુવતીએ શનિવારે સવારે તેના પથારીવશ અને એક સપ્તાહથી ભૂખ્યા રહેલા પિતાને ફોન કરી વાત કરી હતી અને લાગણીશીલ અવસ્થામાં પિતાને કહ્યું હતું કે, પપ્પા હવે તમે કંઇક ખાઇ લો, હું ઘેર પાછી આવીશ. ધર્મ પરિવર્તન કરાવીને મુંબઇ લઇ જઇ નિકાહ કરવાનો મામલો બહાર આવ્યા બાદ હોબાળો મચતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જોકે ત્યારબાદ યુવક-યુવતીને નિકટના સગાઓને ત્યાં મોકલાયાં હતાં અને બંનેની સમજાવટ શરૂ કરાઇ હતી. યુવતી પણ હાલ તેના નિકટના સગાને ત્યાં છે અને બે દિવસથી સગાઓ દ્વારા તેના નિર્ણય અંગે સમજાવાઇ રહી છે.

પિતાએ એક અઠવાડિયાથી ખાધું નથી
યુવતીના ભાઇએ જણાવ્યું કે, તેની બહેનનું માઇન્ડ સેટ હવે ચેન્જ થઇ રહ્યું છે અને હવે તે અમને કહી રહી છે કે તે પિતાના ઘેર પાછી આવશે. બે-ત્રણ દિવસ પહેલાં કરતાં અત્યારે તે થોડી હળવાશ પણ અનુભવી રહી છે અને પોતાના નિર્ણય અંગે ગંભીરતાથી વિચારી પણ રહી છે. તે પણ સગાઓને કહી રહી છે કે, હવે હું થોડી ખુશ પણ છું અને ઘેર પાછી આવીશ. તેના પિતા આ ઘટના બાદ આઘાતમાં બીમાર થઇ ગયા છે અને એક સપ્તાહથી તેમણે અન્નનો દાણો પણ મોંમાં મૂક્યો નથી. તેમને ઘેર જ સારવાર અપાઇ રહી છે ત્યારે શનિવારે સવારે તેણે તેના ભાઇને ફોન કરીને પિતા સાથે વાત કરાવવા જણાવ્યું હતું.

પિતાની ઇચ્છા દિકરી નવું જીવન શરૂ કરે
યુવતીએ પિતાના સ્વાસ્થ્યના સમાચાર પૂછી જણાવ્યું કે, પપ્પા તમે હજુ સુધી કેમ ખાધું નથી. તમે હવે કંઇક ખાઇ લો. મને તમારી ચિંતા થાય છે અને હું ઘેર પાછી આવીશ. તેના પિતા પણ ઇચ્છી રહ્યા છે કે પુત્રી ઘેર પરત આવે અને જે કંઇ થયું છે તે ભૂલી નવું જીવન શરૂ કરે. યુવતીના ભાઇને પણ આત્મવિશ્વાસ આવ્યો છે. બહેન જલ્દી ઘેર પરત ફરશે, તેમ તેણે જણાવ્યું હતું.

લવ જેહાદનો કાયદો આવે તો બંને કોમના લોકો પર લાગુ કરવો જોઈએ
મુસ્લિમ અગ્રણી સદામ પઠાણે જણાવ્યું કે, લવજેહાદના મામલે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે. અમારી પાસે દર બે-ત્રણ દિવસે અપડેટ આવે છે, જેમાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ સાથે લગ્ન કર્યા છે. મુસ્લિમ યુવક આવું કરે તો લવ જેહાદ કહે છે, પણ 6 મહિનામાં 6 મુસ્લિમ યુવતીઓએ હિંદુ સાથે લગ્ન કર્યા છે અને આ સિલસિલો ચાલુ છે. અમે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવતા નથી. મુસ્લિમ યુવકોને આવી તાલીમ અપાય છે તે વાત ખોટી. અમારી લાગણી એ છે કે બંને કોમ વચ્ચે એકતા જળવાઈ રહે. લવ જેહાદનો કાયદો આવે તો તે બંને કોમ પર લાગુ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *