બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલી ટીમે સંબંધિતો સાથે બેઠકો યોજી
મતદાર યાદી, SSR, EVM-VVPAT, મતદાન મથકો, લઘુતમ સુવિધા, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા સહિતના વિષયો અંગે ચર્ચા કરાઈ
ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેની પૂર્વ તૈયારીઓને ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાર યાદીને અદ્યતન બનાવવી કે ચૂંટણીમાં સામેલ થનારા અધિકારી-કર્મચારીઓની તાલીમ આપવા સહિતના કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે અત્યારે બે-ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે.
આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO-ચીફ ઈલેક્શન ઓફિસર) પી. ભારતી સાથે મળીને ECI-ઈલેકશન કમિશનની આ ટીમે 17 અને 18 સપ્ટેમ્બરની તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકોમાં મતદાર યાદી અને SSR, EVM-VVPAT, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુતમ સુવિધા, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આગામી ચૂંટણી દરમિયાન સારી રીતે સંચાલન થાય, તેવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવાયા હતા.
મુખ્ય સચિવ, પોલીસ વડા સાથે બેઠક
રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક ચૂંટણી પંચની ટીમે બેઠક યોજી હતી. જેમાં આગામી ચૂંટણીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી અને આગામી ચૂંટણીમાં સુચારુ સંચાલન માટે સીઇઓ, રાજ્ય પોલીસ નોડલ ઓફિસર, ડીઇઓ, એસપી અને અમલીકરણ એજન્સી પાસેથી મળેલા પ્રતિભાવોની પણ ચર્ચા કરી હતી.