- એક મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજા પહોંચી
- અથડામણને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો
- ગામના સભ્યપદના ઉમેદવારની ધીંગાણા બાદ ગભરામણ થતાં તબિયત લથડી
ભરૂચના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણે જ બે કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જે અથડામણમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એબ્યુલન્સની સેવાની મદદ વડે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજે રવિવારે સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં ચૂંટણીના સમયે જ બે કોમના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં મહિલા અને ડેપ્યુટી સરપંચના પતિ સહિત પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગેની જાણ વાલિયા પોલીસ મથકે કરાતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. તેમજ ગામમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ડહેલી ગામના સભ્ય પદના ઉમેદવાર છોટુ વસાવાને સદર ધીંગાણા બાદ ગભરામણ થતા તેમની તબિયત લથડી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.