કોરોના મહામારી દરમિયાન ઘણા લોકો માનસિક બીમારીનો પણ ભોગ બન્યા છે. ખાસ કરીને બાળકો ગંભીર માનસિક સ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ઘણા કિસ્સામાં તો માતાપિતાએ સંતાનોની મનોચિકિત્સક પાસે સારવાર કરાવવી પડી છે. માતાપિતા કે પરિવારમાંથી કોઈ કોરોના પોઝિટિવ આવ્યું હોય તો તે પરિવારનાં સંતાનોમાં સ્વજનને કોરોનાથી ગુમાવવાનો ડર રહેતાં તેમના વર્તનમાં મોટા ફેરફાર થયા હોવાના કિસ્સા પણ મનોચિકિત્સકો પાસે આવ્યા છે.
કિસ્સો 1 – પિતા ગુમાવ્યા, હવે માતાના મોતનો ડર
19 વર્ષના સાહિલે કોરોનાને કારણે પિતાને ગુમાવી દીધા હતા. પિતાને કોરોના થયો એ દરમિયાન કુટુંબના કોઈ સભ્ય તરફથી સહકાર ન મળતાં તેની ગંભીર અસર તેના મન પર થતાં હવે સાહિલ એવું વિચારે છે કે આ દુનિયામાં તેમનું કોઈ નથી. તે અને તેની માતા આ દુનિયામાં એકલાં જ છે. સાહિલના મન પર એવી અસર થઈ છે કે તે વારંવાર તેની માતાને કહેતો રહે છે કે ‘તું મરી ન જતી, તું નહિ હોય તો મારું શું થશે?’ આ જ કારણથી સાહિલ તેની માતાને કોઈ સાથે વાત કરવા દેતો નથી કે કશું ખરીદવા બહાર જવા દેતો નથી. અત્યારે મનોચિકિત્સકો સાહિલને સમજાવી રહ્યા છે કે તેની માતાને કશું નહીં થાય. મનોચિકિત્સકોના મતે લાંબો સમય સુધી સાહિલની ટ્રીટમેન્ટ ચાલશે.
કિસ્સો 2 – પૌત્રી વારંવાર દાદાનું ટેમ્પરેચર ચેક કરે છે
એમબીબીએસનો અભ્યાસ કરતી વૈભવીના પાડોશી વડીલનું કોરોનાને કારણે મૃત્યુ થયું ત્યારથી પોતાના દાદાને પણ કંઈ થઈ જશે એવો મનમાં ડર પેસી ગયો છે, આથી તે દાદાની એટલી કાળજી લેવા માંડી છે કે તેમને બહાર જવા દેતી નથી. વારંવાર તેમનું ટેમ્પરેચર માપે છે, દાદાને બહારની વ્યક્તિ સાથે મળવા દેતી નથી. તેમને થોડી ઉધરસ કે શરદી જેવું લાગે તો તરત ડોક્ટરને ફોન કરે છે. વૈભવીને કારણે તેના દાદા બહાર ચાલવા જઈ શકતા નથી. વૈભવી એમબીબીએસનો અભ્યાસ કરતી હોવા છતાં પણ કોરોનાનાં લક્ષણો અને અસરને સમજી શકતી નથી. હવે તેનાં માતાપિતાએ મનોચિકિત્સકની સલાહ લેવાનું વિચાર્યું હતું અને હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
કિસ્સો 3 – કોરોનાના ડરથી પુત્ર રૂમમાં એકલો રહે છે
સોશિયલ મીડિયા બાળકોને કેટલી ગંભીર અસર કરે છે એનું ઉદાહરણ ઉદયનું છે. 12 વર્ષના ઉદયે સુરતના એમ્બ્યુલન્સ ડ્રાઇવરનો એક ઓડિયો સાંભળ્યો હતો, જેમાં તે બહુ બધી લાશ પડી છે તેમ કહેતો હતો. ઉદય આ ઓડિયો વારંવાર સાંભળતો રહેતો હતો, જેની એટલી ગંભીર અસર તેના મનમાં થઈ કે તે અડધી રાત્રે જાગીને તેના પેરન્ટ્સનો તાવ, ઓક્સિજન માપતો હતો. શરૂઆતમાં પેરન્ટ્સને લાગ્યું કે થોડા દિવસોમાં સારું થઈ જશે, પરંતુ તેની બીમારી વધતી ગઈ. કોઈ લોકો સાથે વાત ન કરવી, રૂમમાં એકલા જ રહેવું, નાની નાની વાતમાં ડોક્ટરને ફોન કરવો વગેરેને કારણે પેરન્ટ્સ ઉદયને મનોચિકિત્સક પાસે લઈ ગયા હતા. હાલ તેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.
કિસ્સો 4 – ડેડબોડી જોઈ ડર લાગ્યો કે આખો પરિવાર મરી જશે
16 વર્ષના ક્રિષ્ણાના દાદાના ભાઈનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. હોસ્પિટલથી પેક કરી મોકલાયેલા મૃતદેહના ફોટો તેણે પરિવારના સોશિયલ મીડિયા ગ્રુપમાં જોયા હતા. ત્યારથી જ તે સતત વિચારવા લાગ્યો હતો કે મારા દાદા સાથે ક્યાંક આવું થશે તો? તેને સતત એવું લાગતું હતું કે કોરોનામાં બધા જ મરી જઈશું, છેલ્લે હું પણ મરી જઈશ. તે અવારનવાર રડતો પણ હતો. તેને મનમાં ડર બેસી ગયો કે એક દિવસ કુટુંબની દરેક વ્યક્તિ મરી જશે, છેલ્લે હું પણ મરી જઇશ. તેના આઘાતને કારણે તેનું શરીર નબળું પડ્યું, વિવિધ શારીરિક સમસ્યા ઊભી થઈ, ડોક્ટરોની સલાહ બાદ તેનો ઇલાજ માનસિક રોગના દર્દીઓની માફક શરૂ કરાયો. હાલમાં તેની સ્થિતિ સારી છે.
કિસ્સો 5 – બહારનું કોઈ આવે તો ઘર સેનિટાઇઝ કરે છે
ચિંતનના કુટુંબના એક સભ્યને કોરોના થયો હતો, પરંતુ તેણે સોશિયલ મીડિયા પર ક્યાંક વાંચ્યું હતું કે કોરોના લોકો સાથે સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ જ વાત મનમાં ગાંઠ બાંધી ચિંતને તેની માતાને એક વર્ષથી બહાર જવા દીધી નથી. તેના પિતા માંડ એક મહિનાથી બહાર નીકળે છે. તે ઘરમાં કોઈને આવવા પણ દેતો નથી. ઘરકામ કરનારી વ્યક્તિને પણ તેણે ઘરમાં આવવાની મનાઈ કરી દીધી છે. જો કોઈ વ્યક્તિ કુરિયર કે અન્ય કામ માટે ઘરમાં આવી જાય તો પાણીમાં સેનિટાઇઝર મિક્સ કરીને આખા ઘરમાં તેનો સ્પ્રે કરે. ચિંતનનો અભ્યાસ બગડે નહીં એ માટે તેના પેરન્ટ્સે તેનું એડમિશન ઓપન સ્કૂલમાં કરાવ્યું છે. હાલ ચિંતનની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. (તમામ નામ બદલ્યાં છે)
એક્સપર્ટ શું કહે છે?
ઊંઘમાંથી જાગી જવું ડરની નિશાની
બાળકો હૂંફ, અનુરાગ, લાગણીથી પરિવાર સાથે જોડાયેલાં હોય છે. બાળકો સોશિયલ મીડિયા પર કોરોના વિશે વાંચે છે ત્યારે તેમના અચેતન મન પર ગંભીર અસર થાય છે. આ સ્થિતિમાં જ્યારે નજીકના કોઈ સંબંધીને કોરોના થાય છે ત્યારે તે સીધી જ લિંક તેમણે વાંચેલા મેસેજ સાથે જોડે છે. આ સ્થિતિમાં બાળકો ચીડિયા, મૂડલેસ અને અભ્યાસમાં નબળા પડે છે. ઘણીવાર બાળકો જાગી જાય, પથારીમાં યુરિન કરે એ ડરની નિશાની છે. – ડો. પ્રશાંત ભિમાણી, સિનિયર સાઇકોલોજિસ્ટ
ડરને કારણે ચીડિયા બની જાય છે
પોતાની આસપાસની કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે ત્યારે તેમના મનના ડર ઊભો થાય છે અને તેથી તેઓ ચીડિયા બની જાય છે, એકલા રહેવા લાગે છે. સ્વજનોની નાની નાની વાતમાં વધારે કાળજી લે છે. આ સ્થિતિમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિની સાથે બાળકોની સંભાળ લેવી પણ એટલી જ જરૂરી બને છે. – ડો. રમાશંકર યાદવ, સાઇક્યિાટ્રિસ્ટ.