મહારાષ્ટ્રના નાંદેડમાં પોલીસકર્મચારીઓએ ધાર્મિક શોભાયાત્રાને રોકી હતી, ત્યારે ગુરુદ્વારાથી નીકળેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેમાં 4 પોલીસ જવાન ઘાયલ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવાને કારણે ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે હોલા મોહલ્લાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેંકડો લોકો ગુરુદ્વારાના પરિસરમાં ભેગા થયા હતા. તેમની વચ્ચે ઘણી સ્ત્રીઓ હતી. પોલીસે રોક્યા ત્યારે તેઓ ભડક્યા હતા.
ટોળાએ બેરિકોડ્સ તોડી નાખી હતી અને રસ્તા પર પાર્ક કરેલાં વાહનોને તોડી નાખ્યાં હતાં. તેમણે પોલીસકર્મીઓને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. તેમાંથી કેટલાકના હાથમાં તલવારો પણ હતી. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ટોળાને કાબૂમાં કરવામાં ઓછી પડી હતી.
સમિતિએ પરિસરમાં ઊજવવાની ખાતરી આપી હતી
નાંદેડના એસપીએ કહ્યું હતું કે ‘કોરોનાને ધ્યાનમાં રાખીને લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે હોલા મહોલ્લાને મંજૂરી આપવામાં આવી ન હતી. આ અંગે ગુરુદ્વારા સમિતિએ ખાતરી આપી હતી કે તેઓ આ કાર્યક્રમ પરિસરની અંદર જ કરશે. સાંજે 4 વાગ્યે જ્યારે નિશાન સાહિબને ગેટ પર લાવવામાં આવ્યા, ત્યારે લોકો શોભાયાત્રા કાઢવા માટે દલીલ કરવા લાગ્યા હતા.’ પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો તો 300-400 લોકોએ ગેટ તોડી પોલીસ પર હુમલો કરી દીધો હતો, જેમાં 4 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ હિંસક ટોળાએ વાહનોમાં તોડફોડ પણ કરી હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.