- ભારે ધડાકા-ભડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો સર્જાયાં હતાં
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામ પાસે આવેલ શિવમ ઈન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાર્માસ્યુટિકલ પાવડરનું ઉત્પાદન કરતી કંપનીમાં કેમિકલ પ્રોસેસ દરમિયાન રીએક્ટરમાં પ્રેશર વધી જતા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કંપનીમાં રીએક્ટરમાં ધડાકો થયાનો અવાજ આઠ કિલોમીટર દુર સુધી સંભળાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ટોળે વળ્યાં હતાં. સાવચેતી ના પગલાં રૂપે આગ લાગેલ કંપનીની આજુબાજુના ખેતરોમાં વસવાટ કરતાઓને ખસેડાયા હતાં.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે વહેલી સવારે 5 થી 5.30 વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં ચોથા માળે કામ કરી રહેલા ગોલુભાઇ, ગીરીશભાઈ, સિરાજુદ્દીન અને સુજીતભાઈ તેમજ અમરેન્દ્ર અને રામકૃષ્ણ મળી છ જેટલા કર્મચારીઓને દાઝી જવાથી ઈજા પહોંચી હતી.
ઘટનાને પગલે ટ્રાફિક ખોરવાયો
ઇજાગ્રસ્તો પૈકી ચાર કર્મચારીઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સામાન્ય ઈજા પામેલ અમરેન્દ્ર અને રામકૃષ્ણને સાવલી જમનોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ને રજા આપી દેવામાં આવી હતી. આ બનાવને પગલે વડોદરા સાવલી રોડ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જોકે પોલીસ તંત્ર દ્વારા કેટલાક વાહનોને અન્ય ગામોમાં ડાયવર્ટ કરીને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આગમાં 6 કર્મચારી દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા
ફેકટરીમાં રિએકટર ફાટતાં આગમાં 6 કર્મચારી દાઝયા હતા અન તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ લઇ જવાયા છે. ભીષણ આગને પગલે ફેકટરીમાં વ્યાપક નુકસાન તો થયું જ છે. ભારે ધડાકા અને ભડાકા સાથે આગ લાગતાં આકાશમાં કાળાં ડિબાંગ વાદળો સર્જાયાં હતાં અને આજુબાજુના લોકોમાં પણ ભય ફેલાઈ ગયો હતો. વડોદરા ફાયર તેમજ અન્ય કંપનીઓના ફાયરની ટીમો પણ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ બની છે. વિવિધ કેમિકલ તેમજ પાઉડર બનાવે છે શિવમ કંપની અને એ સાવલીના ગોઠડા ગામે આવેલી છે.
લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા
પ્રચંડ ધડાકા સાથે લાગેલી આગના બનાવ ને પગલે ગોઠડા ગામ સહિત આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળ પાસે પહોંચી ગયા હતા. સાવલી વડોદરા રોડ ઉપર વહેલી સવારે ફાયર બ્રિગેડની ગાડીઓ, એમ્બ્યુલન્સમાં સાયરનો અને પોલીસ તેમજ વહીવટી તંત્રની ગાડીઓના સાયણોથી ગુંજી ઉઠયા હતા. સલામતીના ભાગરૂપે કંપનીની આસપાસના પાંચ કિલોમીટરના એરિયામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત કામદાર
1 ગોલુભાઈ
2 ગીરીશભાઈ
3 સિરાજુદીન.
4 સુજીતભાઈ.
5 અમરેન્દ્ર
6 રામકૃષ્ના