- કોંગ્રેસે પોતાના રાજ્યોને બિલનો મુસદ્દો મોકલ્યો
- કોંગ્રેસ શાસિત રાજ્યો ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં લઘુત્તમ ટેકાના ભાવ મળી રહે તેની ખાતરી રાખશે
મોદી સરકારે ગયા મહિને સંસદમાં પસાર કરાવેલા ત્રણ નવા કૃષિ કાયદાનો સમગ્ર દેશમાં ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે. આ કૃષિ કાયદાઓનો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અમલ ન થાય તે માટે પક્ષના હાઈકમાન્ડે વ્યૂહરચના ઘડી કાઢી છે. કોંગ્રેસ શાસિત રાજ્યો ત્રણેય કૃષિ કાયદાઓનો અમલ રદ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે તેવી સંભાવના છે.
કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વે આ સંદર્ભમાં એક બિલનો મુસદ્દો તૈયાર કર્યો છે અને તેમનું શાસન છે એવા રાજ્યોને તે મોકલી આપવામાં આવ્યો છે. આ બિલની બે જોગવાઈઓ છે. પહેલી કેન્દ્રના કાયદાઓના અમલની તારીખ રાજ્ય સરકારે નક્કી કરવાની હોય છે. બીજી ખેડૂત અને કોઈ કંપની અથવા એગ્રેગેટર વચ્ચેની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)થી નીચા ભાવે ન થાય તેની ખાતરી કરવી.
જોકે, મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યો કે જ્યાં કોંગ્રેસ સહયોગી પક્ષો સાથે શાસનમાં છે ત્યાં અને કેરળ અને બંગાળ જેવા બીન કોંગ્રેસી અને બીન ભાજપી રાજ્યો પણ આ બિલ પાસ કરાવવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
પ્રત્યેક રાજ્ય દ્વારા પસાર થયેલા આ બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ મંજૂર કરે તે અત્યંત મહત્વનું છે. રાષ્ટ્રપતિ રાજ્યોએ પસાર કરેલા બિલને મંજૂરી આપવાનો ઈનકાર પણ કરી શકે છે. જોકે, તેમણે ઈનકાર માટેનું કારણ આપવું પડશે. સૂચિત બિલમાં નવા કૃષિ કાયદાઓ અંગે કોંગ્રેસની બે મુખ્ય ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે નવા કૃષિ કાયદાઓથી ખેડૂતો માટે ટેકાના ભાવની વ્યવસ્થા ખતમ થઈ જશે અને કૃષિ બજાર ખૂલ્લું થઈ જવાથી ખેડૂતો ખાસ કરીને નાના અને સિમાંત ખેડૂતો કોર્પોરેટ જગતના ગુલામ બની જશે. ગયા મહિને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષ શાસિત રાજ્યોને વિધાનસભા દ્વારા કેન્દ્રના કૃષિ વિરોધી કાયદાઓ રદ કરવા માટે રાજ્ય સ્તરે કાયદો બનાવવાની સંભાવનાઓ ચકાસવા જણાવ્યું હતું.