9 જાન્યુઆરી, 1915! સવારે 7:30 વાગ્યાનો સમય. દક્ષિણ આફ્રિકાથી આવેલું એક જહાજ મુંબઈના દરિયામાં આવીને લાંગર્યું. આ સાથે જ ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક નવા યુગનો પ્રારંભ થવાનો હતો. મોહનલાલ કરમચંદ ગાંધી એ જહાજમાં ભારતની ધરતી પર ઉતર્યા. તેમના આવ્યા પહેલા જ દેશના ખૂણેખૂણામાં તેઓ જાણીતા થઈ ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની ક્રાંતિની વાતો સાંભળીને દેશના યુવા વર્ગમાં પણ આ મોહનની માયા લાગી ચૂકી હતી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને બધા ‘ભાઈ’ નામે બોલાવતા.
અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું છે કે, 6 માર્ચ, 1915ના રોજ ગાંધીજી અને ટાગોર વચ્ચે પહેલી મુલાકાત થઈ. એ વખતે ટાગોરે ગાંધીજીને મહાત્માનું સંબોધન કર્યું હતું. જોકે, ઈતિહાસવિદ્, સંશોધક, લેખક ડૉ. મહેબૂબ દેસાઈના પાંચ વર્ષના સંશોધન પછી પ્રકાશિત પુસ્તક ‘ગાંધીજીને અપાયેલા માનપત્રો’માં ઉલ્લેખ છે કે, રાજકોટ પાસે જેતપુરમાં 21 જાન્યુઆરી, 1915ના રોજ ગાંધીજીનું સન્માન કરાયું હતું. એ વખતે તેમને એક માનપત્ર અપાયું હતું, જેમાં ગાંધીજીને ‘મહાત્મા’ સંબોધન કરાયું હતું. ભારત આવ્યા પછી ગાંધીજી તુરંત રાજકોટ જવા નીકળી ગયા હતા. આ દરમિયાન 21 જાન્યુઆરી, 1915ના રોજ ગાંધીજીનું જેતપુર અને 24 જાન્યુઆરી, 1915ના રોજ ગોંડલમાં સન્માન કરાયું હતું. આ બંને પ્રસંગે ગાંધીજીને અપાયેલા સન્માન પત્રમાં તેમને ‘મહાત્મા’ સંબોધન કરાયું છે.
આ માનપત્રમાં લખાયું છે કે, ‘શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, બારિસ્ટર-એટ-લો. મહાશય, ઘણા વરસ સુધી હિંદવાસીઓના હક્કને વાસ્તે લડત ચલાવી હાલમાં આપની જન્મભૂમિમાં પધરામણી થતાં અમો જેતપુર નિવાસીઓને આપના દર્શનનો લાભ મળે છે તેને માટે અમોને અત્યંત હર્ષ પેદા થાય છે અને તે શુભ પ્રસંગની યાદગીરીરૂપે અમે આજે ભેગા મળીને અંત:કરણપૂર્વક આપને તથા આપનાં ધર્મપત્નીને આવકાર આપીએ છીએ અને આ માનપત્ર આપવાની રજા લઇએ છીએ…’
આ મૂળ માનપત્ર તો ઘણું લાંબુ છે અને તેના અંતે 49 અગ્રણીઓના હસ્તાક્ષર છે. ડૉ. મહેબૂબ દેસાઈના 336 પાનાના પુસ્તકમાં ગાંધીજીને મળેલા માનપત્રોમાંથી 69 માનપત્રોને સ્થાન અપાયું છે. તેમાં દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને દેશના વિવિધ ભાગોમાંથી મળેલા માનપત્રો સામેલ છે.